લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
દ્વિરેફની વાતો

તૈયાર રહી ઘણાને તૈયાર કર્યા અને મોકલ્યા. હવે તો તેનું નામ વર્તમાનપત્રોમાં પણ આવતું થયું હતું.

વીનુની મુલાકાતનો વખત થયો ત્યારે તે પેાતાની સાસુ સાથે જેલમાં ગઈ. જેલની વિધિ પ્રમાણે તેમને દાખલ કરીને અંદર બેસાડ્યાં. થોડીવારે વીનુ આવ્યો. તેણે માતાની પાસે કેસરી ખાદીની સાડીમાં કંઈક પ્રગલ્ભ રીતે ખુલ્લે મોઢે બેઠેલી દિવાળી જોઈ, પણ તે તરફથી આંખ ખસેડી તેણે બાના કુશળ સમાચાર પૂછ્યા, અને પોતાના કહ્યા. આટલા માસના અસહકારીઓના સહવાસથી જેલના અધિકારીઓમાં કંઈક માણસાઈની મૃદુતા આવી હતી. આ વખતે અધિકારીઓની ડખલ નહોતી, પણ દિવાળીને જોઈને વીનુ જરા ઠંડો થઈને બેઠો.

પણ પંદરેક દિવસમાં વીનુ ઘેર આવવાનો છે એ અપેક્ષાએ તેની માતા વધારે ઉત્સાહમાં હતી. તેણે વીનુને કહેવા માંડ્યું કે તું ઘેર આવીશ ત્યારે ઘર ઉપર મોટો ઝંડો ફરકતો જોઈશ.

“એમ કે ? સારું કર્યું બા !” વીનુએ કૃત્રિમ હર્ષ બતાવ્યો.

“પણ જો હવે તું ઘેર આવે ત્યારે દિવાળીએ થોડા દિવસ આપણે ઘેર રહેવા આવે એમ તું ન કહે ?”

“બા, એ તો એનાં માબાપને ફાવે તેમ કરે.”

“માબાપને ત્યાં ક્યાં છે ? એ તો ભામણા ગામમાં છે ને દેશનું કામ કરવા હવે ત્યાં જ રહે છે. ત્યાંની સરદાર થઈ છે!”

“ભામણામાં ઝંડાવાળી દિવાળી સરદાર થઈ છે તે આ દિવાળી ?” વીનુએ જિંદગીમાં પહેલી જ વાર દિવાળી સામું જોયું.

“હા, હા. એની કેસરી સાડી નથી જોતો ?”

“અરે શાબાશ રે શાબાશ.” વીનુએ વેગમાં આવી જઈ કહ્યું અને ઘણા જ જોરથી દિવાળીનો બરડો થાબડ્યો