લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
બે મુલાકાતો

જિંદગીમાં દિવાળીને આ પતિનો પહેલો જ સ્પર્શ હતો. આ આટલી વિચિત્ર જગાએ, લોકોના દેખતાં, સાસુના દેખતાં, પતિએ બતાવેલા ઉમળકાથી તેનું મોં શરમ આનંદ અને સૌભાગ્યના ઓચિંતા ભાનમાં લાલ થઈ ગયું. વીનુએ પહેલી જ વાર જોયું કે દિવાળો જરા ભીને વાન હતી પણ તેજસ્વી અને સુંદર હતી. “આ ઝંડાવાળી દિવાળી તે તું ? અહીં ભામણાથી જગદીશ આવ્યો હતો તે તારી વાત કરતો હતો, પણ મને શી ખબર તું હઇશ. તને ઝંડાવાળી શાથી કહે છે?” વીનુએ માને નહિં પૂછતાં પત્નીને સીધું જ પૂછ્યું. માતા તેના સામું જોઈ રહી. આ પ્રશ્ન પૂછતાં વીનુની શી આંખો, શો હર્ષ, શો ઉત્સાહ ! જાણે કેટલાંએ વર્ષથી, મહત્ત્વાકાંક્ષા, ઉત્સાહ, કોઈ પણ નિર્દિષ્ટ પાત્ર વિનાનો પત્નીપ્રેમ, સંઘરી રાખેલો, એકદમ ધરતી ફાડી સેર ફૂટે એમ ફૂટી નીકળતો તેણે જોયો — તે જોઈ જ રહી !

દિવાળી હવે સ્વસ્થ થઈ હતી. એક સૈનિક સાથે વાત કરતી હોય તેમ “એમાં તે કાંઈ મોટી વાત નથી” એમ કહી બધું વૃત્તાંત કહ્યું.

“અને પેલું મીઠું લઈ આવી’તી એ ય કહેને !” માતાએ વચમાં ઉમેર્યું.

હવે વાતચીતના પહેરેગીરને માટે આ વધારે પડતું થઈ ગયું. તેણે કહ્યું: “મીઠાની વાત ન કરો.”

જરા પણ ડઘાયા વિના દિવાળીએ ચલાવ્યું: “અમે પાણી ભરવા ગયાં’તાં. ત્યાં ઊતરવડથી માલની ગાડી આવી’તી. ગામમાં માલ ક્યાં રાખવો તેની ગાડાધણીઓ ચિંતા કરતા હતા. ઉપર તોફાન ઝઝૂમી રહ્યું હતું. જો વરસે તો બધો માલ બગડે એમ હતું. એટલે હું, નગરશેઠની દિકરી વંજી, ને આપણી પાડોશણ રસિકા, ને ગોરની ડાહી અમે બધાંએ બેઢે બેઢે સાર સાર કર્યું.”