આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરદાસ
તેને સૌ સુરદાસને નામે ઓળખતા. પ્રસિદ્ધ ભક્ત કવિ સુરદાસે પોતાની આંખો ફોડી હતી એવી વાત જ્યારથી ચાલી ત્યારથી દરેક આંધળાને અને ખાસ કરીને આંધળા બાવાને સૌ સુરદાસ કહે છે. તે પણ આંધળો બાવો હતો.
શહેરમાં એક ધરમશાળા હતી. તે રસ્તાની બે બાજુ આવેલી હતી. એક બાજુ ગૃહસ્થોને ઉતરવા માટે ઓરડીવાળાં મકાનો હતાં અને તેની સામે બીજી બાજુ પતરાંના છાપરાવાળું એકઢાળિયું હતું. એકઢાળિયાને કેડપૂર દિવાલ હતી, તેની ઉપર તે ખુલ્લું હતું. સુરદાસ આ એકઢાળિયાવાળા ભાગમાં આવતા જતા બીજા બાવાઓ સાથે રહેતો.
સુરદાસ આશરે ત્રીસ વરસનો હતો. તેને કોઈ મિત્ર નહોતો તેમ તે શહેરમાં જઈ બીજાઓની માફક માગી શકતો નહિ. ધરમશાળાના ઉતારુઓ કોઈ વાર કાંઈ આપે, કોઈ આવતો જતો પૈસા પાઈ આપે, પણ તેનાથી તેનું હંમેશનું ગુજરાન થાય તેમ નહોતું; તેનું ગુજરાન ધરમશાળાની ખબર રાખનાર