લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
દ્વિરેફની વાતો

એક વિઠ્ઠલ મરાઠો કરતો. કોણ જાણે કેમ, કંઈ પણ કારણ વિના, તે હમેશાં સુરદાસને એક બે વાર મળી જતો, સુરદાસ પાસે પૈસા હોય કે ન હોય, પણ તે તેને જોઇતી ચીજ અને ખાવાનું પૂરું પાડતો.

સુરદાસ એક નાનું ડફ લઈ સાંજે ગાતો. તેનો કંઠ બહુ સારો નહોતો પણ તે રીતસર તાલબદ્ધ ગાઈ શકતો અને ડફ ઘણું સુંદર વગાડતો. પણ શહેરના લોકોને તેની કદર નહોતી. એક વાર એક પરગામનો પ્રસિદ્ધ સાક્ષર ત્યાં કોઈ સંસ્થાના ‘આશરા’ નીચે ભાષણ આપવા આવેલો, તે અહીંથી પસાર થતાં આનું ગીત સાંભળી ત્યાં ઊભો રહેલો, અને તેથી, આપણા ‘પર પ્રત્યય’ []ના નિયમ પ્રમાણે, શહેરના લોકોને પણ લાગ્યું કે આ સાંભળવા જેવું છે. ત્યારથી સાંજે સાંજે સુરદાસ પાસે એક નાની મંડળી ભરાતી, આવતા જતા મજૂરો અને કોઈ સારા માણસો પણ તે સાંભળવા ઊભા રહેતા અને સુરદાસને બે પૈસા આપતા. હવે સુરદાસ પહેલાંની અપેક્ષાએ તેમ જ બીજા બાવાઓની અપેક્ષાએ પૈસાદાર થવા લાગ્યો. વિઠ્ઠલે ઉતરેલાં કપડાં વેચાતાં આણી આપ્યાં અને સુરદાસ ભિખારીમાંથી કંઈક સભ્ય ગાવાવાળો ગણાવા લાગ્યો.

કેટલાક દિવસથી શહેરમાં એક પરદેશી સારંગીવાળો આવ્યો હતો. તે દેખાવમાં પણ ફક્કડ હતો. માથે એક જૂનો રેશમી ફેંટો, રાજાઓ બાંધે છે તેવી રીતે તે બાંધતો, ઉત્તર હિંદમાં પહેરે છે તેવો એક લાંબો અચખન જેવો ડગલો પહેરતો અને દુકાને ફરી ફરીને ગાઈ ને પોતાનો નિર્વાહ કરતો. એક દિવસ ફરતાં ફરતાં તે આ ધર્મશાળામાં આવી ચડ્યો અને તેણે આ સુરદાસને ડફ બજાવતો અને ગાતો સાંભળ્યો.


  1. ૧. બીજા પર વિશ્વાસ. બીજો કહે ત્યારે જ સૂઝે, પોતાની મેળે ન સૂઝે એ.