સૌન્દર્ય અર્પતું. આ સૌજન્યથી જ તેનું મુખ રેખા વિનાનું, બાળક જેવું ભરેલું દેખાતું, અને તેથી તે મોટી ઉંમરની હતી છતાં જુવાન લાગતી.
હવે શહેરમાં આ ત્રણેય જણાં સાથે ફરવા લાગ્યાં. સંગીતનો પૂરો સરંજામ હવે આ મંડળીમાં થઈ ગયો. રામપ્યારી ગાતી, સુરદાસ ડફ વગાડતો અને પરદેશી સારંગી વગાડતો. સારંગીવાળો આગળ ચાલતો, અને તેની પછવાડે રામપ્યારીને ખભે એક હાથ દઈ બીજે હાથે ડફ ઝાલી સુરદાસ ચાલતો. આ મંડળી જ્યાં જ્યાં જતી ત્યાં મોટાં ટોળાંને આકર્ષતી. માણસો આપે તે પૈસા લેવાનું કામ રામપ્યારી કરતી. હવે તેમને પૈસા પણ ઠીક થતા.
એક દિવસ આ ગાનારની મંડળી એક કંદોઈની દુકાન આગળથી પસાર થતી હતી. દુકાનમાં બેઠેલા જુવાન છોકરાએ મશ્કરીમાં કહ્યું.
“સુરદાસજી ! આ તમારી સાથે કોણ છે ?” સુરદાસજીએ કહ્યું “ક્યોં ! રામપ્યારી હૈ. વહ ભી હમારે સાથ ગાતી હૈ.”
પેલા છોકરાએ મશ્કરીમાં કહ્યું: “સુરદાસજી ! નસીબદાર છો. બહુ સુંદર બૈરી મળી ગઈ છે.”
રામપ્યારી માત્ર સામું જ જોઈ રહી હતી.
ટોળામાંથી એક બીજો માણસ બોલ્યો: “નસીબદાર તો કેવા ? આ ફાંકડા પરદેશીને છોડીને જુઓ ને આ આંધળાને મોહી ગઈ.”
રામપ્યારી તેનું વિલક્ષણ હાસ્ય હસી.
ત્રીજાએ મશ્કરી કરતાં કહ્યું: “અલ્યા કેમ આંધળો એટલે ન પરણે એમ ? તમે બધા દેખતા જ પરણો ને આંધળો રહી જાય ?”
રામપ્યારી વધારે ઉતાવળું ફરી હસી.