પરદેશીએ ત્યાંથી ચાલવા રામપ્યારીને કહ્યું અને સૌ ત્યાંથી ચાલ્યાં. પણ તે દિવસે તેઓ વધારે ફર્યાં નહિ. થોડા પૈસા લઈ સૌ પાછાં આવ્યાં.
સુરદાસને આ રામપ્યારીનો સ્પર્શ એ જીવનમાં પહેલો જ સ્ત્રીનો સ્પર્શ હતો. તેને રામપ્યારી સાથે પરણવાની સ્ફુટ ઈચ્છા થઈ નહોતી. પણ કયા જુવાનને સ્ત્રીનો સ્પર્શ અસર કર્યા વિના રહ્યો છે? તે રામપ્યારીના અવાજથી મુગ્ધ હતો, તેના સ્પર્શથી રોમાંચ અનુભવતો અને અંધાપાને બહાને તેને રામપ્યારીની સોબત સતત મળ્યા કરતી તેથી જીવનમાં નવો આનંદ અનુભવતો. સતત સોબત અને સતત સંસર્ગથી તેનું મન રામપ્યારીની સોબત ઉપર પોતાને સ્વામિત્વ મળ્યું સમજતું હતું. પણ આ કંદોઈની વાતચીત ઉપરથી તેના મનમાં નવો સંશય ઉત્પન્ન થયો. રામપ્યારી રૂપાળી હતી ? પરદેશી પણ ફાંકડો હતો ? પોતે તો આંધળો હતો ! પોતાનું રૂપ કેવું છે તે જાણવા તેની પાસે આંખ નહોતી ! રામપ્યારીના રૂપની કદર પણ તે કરી બતાવે તેમ નહોતું ! રામપ્યારી પોતા જેવા અપંગને ચાહે તે અશક્ય હતું. તે જરૂર પેલા પરદેશીને ચહાતી હશે, બન્ને ગમે તેમ કરતાં પણ હશે તેની તેને ખબર પણ ક્યાંથી પડે ! …
સ્ત્રીપુરુષના પ્રેમફળમાં ગુપ્ત રીતે ઈર્ષ્યાનો કીડો રહેલો છે. ઘણીવાર, ફળ બેઠા પહેલાં, તે કીડો ફળના પૂર્વરૂપ મધુને અને ઝાડને બન્નેને ખાવા માંડે છે. સુરદાસને પણ તેમ થયું. તેને આંખ હોત તો તે તરત જોઈ શકત કે રામપ્યારીમાં દાંપત્ય પ્રેમને સ્થાન જ નહોતું. એ વાત દુનિયામાં ફરીને અનુભવી થયેલો પરદેશી સારંગીવાળો જાણતો હતો. સુરદાસને આંખ હોત, તો પરદેશીની આંખ જોઈને પણ તે સમજી શકત કે પરદેશીની ઈર્ષ્યા કરવાને કશું