જ કારણ નહોતું, પણ આંધળા માણસને મોટામાં મોટો ગેરફાયદો એ છે કે બીજાના મોં પરના ભાવો જોઈને પોતાના અભિપ્રાયો સુધારવાની તેને તક જ મળતી નથી. માણસ પોતાનું પોણું જીવન તો બીજાને જોઈને સુધારે છે, અને બીજાને જોવાનું પોણું કામ આંખો કરે છે. તે આંખ આ સુરદાસને નહોતી. તેને ગંદામાં ગંદા વિચારો આવવા લાગ્યા.
એક દિવસ રાતે ઓટલેથી ઉતરતાં સુરદાસનો પગ પગથિયું ભૂલ્યો, લપસ્યો અને મરડાયો. તેનાથી ગામમાં ફરાય તેમ ન રહ્યું. તે જાણતો હતો કે આજસુધીમાં તેમની પાસે પાંચેક રૂપિયા ભેગા થયા હતા. તેણે પરદેશીની ગેરહાજરીમાં રામપ્યારીને કહ્યું કે તું આજે ન જતી. મારો પગ સારો નથી માટે તારું કામ પડશે. રામપ્યારી માત્ર હસી જ. પણ સુરદાસની ચાકરી રામપ્યારી કરી શકે એટલા માટે જ પરદેશી આજે બહારથી મોડો આવ્યો. આવીને તેણે સુરદાસને કહ્યું: “ઈસ ટ્રેન કે બખત પર ઘંટે દો ઘંટે સિર્ફ જાને દો. તુમ્હારા કામ તો સબ હો ગયા હૈ. હમ લોગ અભી લૌટ આયંગે.” સુરદાસે પૂછ્યું “ ક્યોં રામપ્યારી, તુજકો જાના હૈ ?” રામપ્યારીએ હસીને કહ્યું “હાં ! જાઉં.” સુરદાસે શરૂ કર્યું “લેકિન મુઝકો...” પણ તેને કશું કામ યાદ ન આવ્યું. સુરદાસની અપ્રસન્નતા જોઈ ને પરદેશીએ કહ્યું: “ઔર દેખો, સુરદાસજી, મેં તુમ્હારે લિયે એક અચ્છી લકડી લે આઉંગા, યહ મેરી કસૂર હોઈ કી અબી તક તુમ્હારે લિયે મૈં લકડી નહી લાયા. અચ્છે આદમીકો ભી લકડી ચાહિયે, તો આપ કે લિયે તો જરૂર હોની ચાહિયે.” મનના અનેક વિચારોમાં ગૂંથાતાં સુરદાસે કહ્યું: “અચ્છા, જાના હો તો જાઓ.” રામપ્યારી અને પરદેશી ચાલ્યાં. સુરદાસ ઘણીવાર સુધી સારંગીના સુરો દૂર જતા લુપ્ત થયા ત્યાંસુધી સાંભળતો ઊભો રહ્યો.