તારે છોડી દેવો, હવે પછી જો તું તેવું કરશે તો તને ખચીત મ્હોતની સજા મળશે.” તો હું તમને કહીશ કેઃ-“ હે એથેન્સના લોકો, તમને હું માન આપું છું, તમને હું ચાહું છું, પણ તમને હું તાબે થવા કરતાં ખુદાને તાબે થવું તે હું વધારે પસંદ કરૂ છું. અને જ્યાં સુધી મારામાં દમ અને તાકાત છે ત્યાં સુધી હું મારા તત્વજ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખીશ, અને જેઓ મને મળશે તથા સાંભળશે તેને નીચે પ્રમાણે બોધ આપીશઃ--
“અરે એથેન્સના ઉત્તમ માણસો ! તમે પ્રખ્યાત શહેરમાં વસનારા છો. તમે બળવાન ગણાઓ છો. તમે ડાહ્યામાં ખપો છો. છતાં તમે પૈસાદાર થવા માંગો છો. પૈસા મેળવતાં શું કરો છો તે જોતાં નથી. તમે હોદ્દો મેળવવાની, ને કીર્તિ મેળવવાની કાળજી રાખો છો. આમ કરતાં તમને કેમ શરમ નથી અાવતી ? તમને તમારા અરવાં ( આત્મા ) ની, તમારા જ્ઞાનની, સત્યતાની દ૨કા૨ નથી. તમારો આત્મા કેમ ઊંચે ચડે તેનું તમે ભાન રાખતા નથી."
મારા અામ કહેવા ઉપરથી કોઈ મને કહેશે કે તે પોતે તો પોતાના આત્માની દરકાર રાખે છે, સત્યતાનું સેવન કરે છે; તો હું તેવા માણસને છોડી દઈશ નહીં. હું તેને પૂછીશ કે તે કેવી રીતે એ બધું કરે છે ? હું તેની કસોટી કરીશ ને પછી જવા દઈશ. તેની કસોટી કહાડતાં જ તે સચ્ચાઈનો ડોળ કરે છે. ને ખરૂં જોતાં તેનામાં સચ્ચાઈ છે જ નહીં એવું મને જણાશે તો હું તેને ઠપકો આપીશ, ને તેને ચોખ્ખી રીતે જણાવીશ કે જગતમાં જે ઘણી જ કીંમતી વસ્તુ છે તેની કીંમત તેના મનમાં કાંઈ જ નથી, ને જેની ખરૂં જોતાં કીંમત નથી તેને
તે કીંમતી ગણે છે. આ પ્રમાણે હું બધા માણસો સાથે વર્તીશ-