પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેમને પણ સ્થાન નથી, કહેવાની જરૂર નથી કે, એવાં કારખાનાંથી ઉત્પન્ન થનારૂં ધન શુદ્ધ પાપમૂલક અર્થાત્ ત્યાજ્ય છે. ટપાલ, તાર અને આગગાડીનો પણ ગાંધી બહિષ્કાર કરે છે તથા છાપખાનાં જેવી વસ્તું પણ તેની પાછળ પાછળ જાય છે. એમાંની એકાદી વસ્તુનો ગાંધીને ઉપયોગ કરવાની ફરજ પડે છે ત્યારે તેમના હૃદયમાં ગડમથલ થઈ રહે છે. પોતાનું કાર્ય તેની મદદ સિવાય ચાલશે જ નહિ એ વાત તે જાણે છે એટલે તેનો ઉપયેાગ કરેજ તેમનો છૂટકો રહ્યો. જે પ્રમાણે પૃથ્વી પરની હવા દૂષિત હોય તોપણ જીવનધારણ માટે તે આવશ્યક છે; તે પ્રમાણેજ સાંપ્રતમાં એ વસ્તુ વિષે છે, કાંટાથી કાંટો કાઢવાની દૃષ્ટિએજ ગાંધી અર્વાચીન વસ્તુઓનો ઉપયોગ કરે છે. વ્યવહારના સાધનો પુષ્કળ વધી જવાથી રોગ અને અનીતિનો પ્રચાર ઝપાટાબંધ થાય છે. પ્રભુએ મનુષ્યને પગ આપ્યા છે તે પરથી જ એથી વિશેષ ગતિનાં સાધનોને તેણે ઉપયોગ કરવો ન જોઇએ, એ તેની ઇચ્છા સ્પષ્ટ નથી થતી કે ? અાગગાડી અને તેવીજ અન્ય અર્વાચીન વસ્તુ સુખસગવડ વધારે છે, એવી સામાન્ય સમજ છે; ૫રંતુ એથીજ ઇંદ્રિયજન્ય સુખલાલસા વૃદ્ધિ પામી મનુષ્ય અધોગતિએ જાય છે એ પણ ખરૂં છે. અર્વાચીન વૈદક પણ ગાંધીના ગદાપ્રહારથી મુક્ત નથી તે સ્પષ્ટ કહે છે કે, એ વૈદક એટલે સેતાની ચેટક, તેની ક્રિયાથી જીવ્યા કરતાં મૂઆ ભલા. આપણા હસ્તે કંઈ ખરાબ વર્તન થશે તો એકાદ ભયંકર રોગમાં સપડાઈશું અથવા આખી જીંદગી દુ:ખમાં કહાડવી પડશે, એ ભય દાકતરી દવાઓથી તદ્દન નષ્ટ નહિ થયો હોય, તો પણ પુષ્કળ એાછો થયો છે. તે કહે છે કે, જો માણસ વર્તમાન જીવનક્રમની કૃત્રિમ દિશા ત્યજી દેશે તો રોગનાં નામનિશાન આપોઆપ નષ્ટ થઈ જશે.

૩૫