પૃષ્ઠ:Ek-Taro.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

તારા હૈયા તે પરે ખેલવા ને ગેલવા
આવું બની હવાનો હિલોળો
મા ! હવાનો હિલોળો;

લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે
ગૂંથશે તું જ્યારે અંબોડો હો મા !
મા ! મા ! મા !

માડી ! તારો ઝાલ્યો હું નહિ રે ઝલાઉં
ચાર પાંચ ચુમી ભરી ચાલ્યો જાઉં—આવજો૦

ચંદન-તળાવડીનાં નીર મહીં ના’તી
જોઈ જૈશ હું તને જ્યારે
રે મા ! જોઈ જૈશ હું તને જ્યારે;

મોજું બનીને તારે અંગેઅંગ મ્હાલીશ
તોય મને કોઈ નહિ ભાળે હો મા !
મા ! મા ! મા !

માડી મારી છલછલ છાની વાત
સાંભળીને કરજે ના કલપાંત—આવજો૦