પૃષ્ઠ:Ek-Taro.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એના પ્રત્યેક શબ્દપૂંભડાની અવનિ ભરતી ફોરમને માટે માનવસંસારના ઊકળતા ચરૂમાં અજબમુખ પ્રાણ પરિતાપે બફાયા હોય છે. એણે જે સુંગધ નીચોવી છે તે કોટિ કોટિ જનહૈયાંનાં સંવેદનોમાંથી નીપજેલ હોય છે. ઉઠાવીને એણે 'ધણીને દુવાર’ ઊપડવાનું હોય છે. ‘ધણીને દુવાર’ : માલિકની સન્મુખ : કવિનું આખરી મુકામ ઈશ્વરનું આંગણું છે. ‘ધણીને દુવાર’ એ શબ્દ ભજનવાણીનો છે. રવીન્દ્રનાથે કરેલી કવિ-પ્રયાણની કલ્પના પણ

नीरव जिनि
ताहार पाये
नीरव वीना दिवेा धरि

“બધાં ગાનો ખતમ કરીને, આખરમાં મારી નિઃશબ્દ વીણાને તો હું એ ‘નીરવ’ને જ ચરણે ધરી દઈશ એજ છે :

સ્વાનુભવો ને પરાનુભવો

હું આ લખું છું તે શું ખરે જ અંતરમાં અનુભવું છું ? કવિતાકાર, સાહિત્યનો સર્જક શું સાચોસાચ નિજલખ્યું બધું સ્વાનુભવમાંથી નીતારે છે ? 'ગરજ કોને ?’ નામનું આમાંનું ભજન મેં એક ચિંતનગામી, યોગભક્તિના આશક અધ્યાપક પાસે ગાયું ત્યારે એણે પણ મને પ્રશ્ન કર્યો કે તું આ પ્રભુ-તલસાટનો અનુભવ કરી શકે છે ? 'પ્રભુ’ નામે ઓળખાતું કોઈ એક અગમ અગોચર સત્વ, માનવીને ખોજવા, મેળવવા, પોતાની પાસે ખેંચવા, પોતાના આત્મવિકાસની ભૂમિકા લગી ચડાવવા વલવલે છે; મત્સ્યાવતાર ધરી માનવજીવને જળમાં ગોતનારો, વરાહ રૂપે કાદવમાં ઢૂંઢનારો કોઈક ચૈતન્યજ્યોતિ યુગાન્તરોથી ઉત્ક્રાંતિક્રમ દ્વારા જીવને શિવ સ્વરૂપે પામવા મથે છે અને જળ, કીચડ, પથ્થર, વનસ્પતિ,