પૃષ્ઠ:Ek-Taro.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ સૈકા-જૂના સૂક્ષ્મ પરાનુભવને પોતાના ગળામાં કોતરે છે. ગાનારી ભેખ લઈને, રાજવૈભવ ત્યાગીને, પતિને ય તરછોડીને, વૃંદાવનમાં વિચરવા નીકળી નથી પડી, ગાનારનું હૃદય પણ, મીરાંની પ્રભુપ્રીતે રંગાયું રસાયું હરદમ તો નહિ રહેતું હોય. ગાનારે ભગવો કે ધોળો વેશ પહેર્યો નહિ હોય. ગાનારી જેમ મીરાંની મનોભૂમિમાં પહોંચેલી નહિ હોય, તેમ બીજે પાસે મીરાંની નકલ, બનાવટ પણ નથી કરતી. એણે એનાં ગળામાં પરનું સંવેદન ઘૂંટ્યું છે. એ જ સ્વધર્મ કવિતાકારનો સમજવો. એ ઘૂંટે છે કલ્પનાવતી ઊર્મિતંત્રની ખરલમાં: પણ એ ઘૂંટે તો છે પારકાના જ અનુભવ, એવાઓની જમાતમાં આપણું સ્થાન હોય તો બસ છે.

અસલી કે નકલી

કવિઓ એટલે તો વેદવાણીમાં કહેલા ઋષિઓ : આર્ષદૃષ્ટાઓ: પરમ સત્યના પયગમ્બર પેખન્દાઓ: એ જ કવિઓ પોતાનાં પારગામી ચક્ષુઓનું ખચીત દીઠેલું ગાય. કવિતાકારો એવી આર્ષદૃષ્ટિનો તો શું પણ ઉંબર લગીની યે ભૂમિને નિહાળી શકવાનો દાવો ન કરી શકે. સ્વાનુભવલક્ષી કવિતાના રચનાકારો પણ જો ઝીણવટથી તપાસશે તો એમણે ગાયો હોય તે ‘સ્વાનુભવ’ કિંચિત જ પોતાનો અનુભવ હશે. પરાનુભવના પડધાને જ ઘણું ખરૂં એ સ્વાનુભવમાં ઘટાવતા હોય છે. વિશ્વકવિતાના પ્રચૂર વારસાની આપણને આજે સુકર પ્રાપ્તિ થઈ ચૂકી છે. એના ગાઢ પરિચયે આપણને ઉચ્ચારણની સરલતા સંપડાવી છે. એ સરલતાને આપણી કલ્પનાસૃષ્ટિમાં અનેકવિધ ખેલો ખેલાવીએ છીએ ને એ ખેલનમાં આપણી થોડીક ક્ષણોની સહૃદયતા મૂકીએ છીએ. તેને પ્રતાપે જ આજની કવિતા સરજાય છે. મીરાંને ગાવામાં જેવી સહૃદયતા યૂથિકાએ કેળવી છે તેના જેવી આપણી સહૃદયતા આપણા પરાનુભવગાનમાં