પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવનચરિત.

રૉજરની ખુશીનો પાર રહ્યો નહિ. એ તો ફ્લૉરેન્સને પગેપડીને તેનો ઉપકાર માનવા લાગ્યો.

આાટલા સાધારણ બનાવથી ઉછરતી ફ્લૉરેન્સના હૃદયમાં એક જુદી જ લાગણી ઉત્પન્ન થઇ. કુતરાની આંખમાં તેણે એટલી ઉપકારવૃત્તિ જોઇ કે તેને લાગ્યું કે જો મુંગાં પશુ આટલી લાગણી ધરાવી શકે તો મનુષ્યનું કાંઈ ભલું કર્યું હોય તો કેટલું સારૂં ?

આ બનાવ પછી તે હંમેશ ગરીબ મનુષ્યનું કોઇપણ પ્રકારે ભલું કરવાને ઉત્સુક રહેતી. આસપાસ વસતા ખેડુતો પણ તેમના પ્રત્યેની તેની વર્તણુંક જોઇને તેને પોતાનાં દુઃખની વખતે મિત્ર તરીકે બોલાવતા, અને હંમેશ તેને કેટલી આશીશ દેતા. સર્વેને તેના ઉપર શ્રદ્ધા પણ તેટલીજ હતી, અને સહેજ જરુર પડતી તો તેને પગે પડતા જતા.

તેનાં માતા પિતા પણ આ બાબતમાં તેને ઉત્તેજન આપતાં. મુંગાં પશુ અને દુઃખિત મનુષ્ય ઉપર તેને હંમેશ ઘણીજ દયા આવતી.

તેની માની સાથે ગરીબ લોકોને કાંઈ કાંઈ દાન કરવાને તે જાતેજ જતી. મિસિસ નાઇટીંગેલ લીહર્સ્ટની આસપાસ વસતા ગરીબ લોકો ઉપર ઘણીજ માયા રાખતાં અને તેમને માટે કાંઈ દવા દારૂ તથા સ્વાદીષ્ટ ખાવાનાં વિવિધ પ્રકારની વાનીઓ પોતે જાતે બનાવીને મોકલતાં. નહાની ફ્લૉરેન્સ પોતે ઘોડા ઉપર બેસીને ફુલ ફળાદિ એ લોકોનાં મન પ્રફ્ફુલિત કરવાને આપી આવતી.

તેને જેવી પ્રાણી ઉપર પ્રીતિ હતી તેવીજ ફુલ બગીચા ઉપર પણ હતી. ફ્લૉરેન્સ અને પાર્થી બંને બહેનોના જુદા જુદા નહાના બગીચા હતા. તેમાં તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ક્યારા ખોદાવતાં, અને વૃક્ષ વેલા રોપતાં, પોતે જાતે નહાના ઝારા લઇને પાણી પાતાં.