પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

શીખવામાં બાળપણથી જ ફ્લૉરેન્સે કુશળતા બતાવી હતી. સંગીત વિદ્યા અને ચિત્રકામમાં પણ સારી નિપુણતા મેળવી હતી. પરંતુ એ વિષયોમાં પાર્થી તેના કરતાં વધારે કુશળ હતી. પિતા પાસેથી ફ્લૉરેન્સ સાયન્સના સામાન્ય નિયમ, ગ્રીક, લૅટીન અને ગણિત વિદ્યા એટલું શીખી હતી. મહાન ગ્રંથકર્તાનાં પુસ્તકોનો અભ્યાસ પણ તેમની જ પાસે કર્યો હતો. થોડી ઘણી નવલ કથાઓ પણ ફુરસદની વેળાએ બંને બહેનોએ વાંચી હતી.

બંને બહેનો જેવી રીતે અભ્યાસક્રમ નિયમસર કરતી તે જ પ્રમાણે ફરવા હરવાનું અને રમત ગમત પણ નિયમસર કરતી. સાંજ સવાર પોતાના પાળેલા કૂતરાને લઈ ઘોડા ઉપર બેસીને વગડામાં કે બાગબગીચામાં બંને જણ ફરવા જતાં ઉન્હાળાના દિવસેામાં તાપને લીધે અભ્યાસક્રમ જરા મંદ ચાલતો, પણ તેને બદલો શિયાળામાં વાળતાં.

મિસિસ નાઇટીંગેલ પોતાની પુત્રીઓની ગૃહકેળવણી ઉપર દેખરેખ રાખતાં. ફ્લૉરેન્સ બાર વર્ષની થઈ તે પહેલાં તેને શીવતાં અને થોડું ઘણું ભરતાં ગુંથતાં આવડતું. વ્યવહારિક કાર્યોમાં શી રીતે યોગ્ય થવાય અને સુજ્ઞ અને સુઘડ ગૃહિણી કેવી રીતે થવાય એ સર્વ કેળવણી તેમની માતા તરફથી તેમને મળી હતી.