પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

ગરીબ માંદા માણસને શીખેલી નર્સની ધણી જ અગત્ય છે. પ્રથમ ગામડાએામાં નર્સ રાખવાની (district nurse) રીતને પ્રચાર કરવાનો તેણે પ્રયત્ન કર્યો. લશ્કરમાં નર્સ રાખવાની પદ્ધતિનો ખ્યાલ તો તેને ઘણો પાછળથી જરૂર પડવાથી આવ્યો હતો.

આ પ્રસંગે જ્યારે તેમનું મન આ મહાન પરોપકારના કાર્યમાં ગુંથાએલું હતું તે વખતે તેમને ઈલીઝાબેથ ફ્રાય નામની એક મોટી ૫રોપકારી સ્ત્રી સાથે મુલાકાત થઈ. ( આ મહાન્ સ્ત્રીએ સ્ત્રી કેદીઓની દયા લાવીને તેમની રીતભાત, નીતિ વગેરેમાં સુધારો કરીને અનેક રીતે તેમને મદદ કરી હતી.) આ નામાંકિત નારીની મુલાકાતથી ફ્લૉરેન્સના મનમાં કાંઈ નવીન પ્રકારનો જ ઉત્સાહ ઉત્પન્ન થયો. બંનેના પરોપકાર કરવાના માર્ગ જુદા હતા: છતાં ઈલીઝાબેથ ફ્રાયના લાંબા અનુભવને લીધે ફ્લૉરેન્સને ઘણું શીખવાનું મળ્યું. મિસીસ ફ્રાયે યુરોપનાં બધાં કેદખાનાની મુલાકાત લીધી હતી, અને લંડનમાં નર્સોને માટે એક નહાનો આશ્રમ સ્થાપ્યો હતો. જર્મનીમાં કૈસરવર્થમાં સ્થપાએલો નર્સનો આશ્રમ તેમણે જોયો હતો, અને તે ઉપરથી જ ફ્લૉરેન્સને તે જોવાની ઉત્કંઠા થઈ અને થોડા વર્ષ પછી તે પોતે તેમાં શિક્ષણ લેવા દાખલ થયાં.

વચગાળામાં તેમણે લંડનનાં જાણીતાં દવાખાનામાં થોડા મહિના રહીને શિક્ષણ લીધું, અને કેટલોક અનુભવ મેળવ્યો; તે ઉપરાંત ડબ્લીન અને એડીનબરોની હૉસ્પીટલની પણ તેમણે મુલાકાત લીધી. ત્યાર પછી ફ્રાન્સ, જર્મની અને ઈટાલીનાં નર્સીંગ આશ્રમોની મુલાકાત લીધી. ત્યાંંની સરખામણીમાં ઈગ્લંડમાં ચાલતી નર્સીંગની વ્યવસ્થા ઘણી ઉતરતા દરજ્જાની હતી. કારણ કે ત્યાં તો તે વખતે ઘણીજ હલકી વર્ણની અજ્ઞાન ને વળી અનીતિવાન સ્ત્રીઓ નર્સીંગ કરતી હતી, અને તેથી ઘણાં માઠાં પરિણામ થયાં હતાં. મૃત્યુની સંખ્યા આગળ જ્યાં પ્રભુ-