પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોરી વગર ખાવું શું ? એણે ખૂબ વિચાર કરી જોયો. અંતે નક્કી કર્યું કે ચોરી કરવી પણ એવી કરવી કે પછી એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે. એક વાર ચોરી કરી આવીને પછી ઘરમાં બેઠાબેઠા ખાવું. બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને ? ચોરી પણ એવાને ઘેર કરવી કે જેની પાસે સૌથી વધુ ધન હોય. એવો તો કોણ હોય ? લાવ, રાજાને ત્યાં જ ખાતર પાડું એમ કરી એ નીકળ્યો.

રસ્તામાં સિપાઈ મળ્યા. પૂછ્યું : ‘અલ્યા, ઊભો રહે, કોણ છે ?’

પેલો કહે : ‘ચોર છું.’ એને સાચું બોલવાનું વ્રત હતું ને ?

સિપાઈઓએ પૂછ્યું : ‘ક્યાં જાય છે ?’

પેલો કહે : ‘રાજમહેલમાં ચોરી કરવા.’

સિપાઈઓએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે. એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આવળ પણ એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો. એક બારી ખુલ્લી જોઈ ઉપર ચઢ્યો. બધી ચીજો જોવા લાગ્યો : આ તો મારે શા કામની છે ? આને હું શું કરું ? આને સંતાડવી ક્યાં ? લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર છૂટકો જ નહીં. છેવટે એક દાબડી એના જોવામાં આવી. ઉઘાડીને જુએ તો અંદર બીજી દાબડી. એમાં જુએ તો સાત રત્નો. ચોરને થયું કે આટલાં બધાં મારે શું કરવાં છે ? ચાર બસ છે. અંદરથી ચાર રત્ન લઈને એણે છેડે ખોસ્યાં. ત્રણ દાબડીમાં રહેવા દીધાં ને દાબડી હતી તેમ બંધ કરીને પાછી એને ઠેકાણે મૂકી. બારીએ થઈને ઊતરી ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા જ વેશપલટો કરીને નગરચર્ચા જોવા નીકળેલો. એણે ચોરને ઊભો રાખ્યો ને પૂછ્યું : ‘અલ્યા કોણ છે ?’

‘ચોર છું.’

‘ક્યાંથી આવે છે ?’

‘ચોરી કરીને આવું છું.’

‘કોને ત્યાંથી ?’

‘રાજાના રાજમહેલમાંથી.’

‘શું ચોરી લાવ્યો ?’

જવાબમાં ચોરે છેડે ખોસેલાં ચાર રત્નો હથેળીમાં ધરીને બતાવ્યાં. રાજાએ કહ્યું : ‘વાત તો સાચી. ક્યાં રહે છે ?’ પેલા એ ઠેકાણું આપ્યું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુએ તો રાજમહેલની બારી ઉઘાડી. તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. એમણે તપાસ કરી. જુએ