પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તો બધું અકબંધ. કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતાં પેલી દાબડી એમની નજરે ચઢી. ખોલી. અંદર ત્રણ રત્ન પડ્યાં હતાં. પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે. ત્રણ રત્ન મૂકીને ગયો છે. એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધાં ને દાબડી એને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું : ‘મહારાજ, બીજું બધું તો સલામત છે. માત્ર દાબડીમાંનાં પેલા સાત રત્ન ચોર લઈ ગયો છે.’ રાજા કંઈ બોલ્યો નહીં. એટલું જ કહ્યું કે જલદી ચોરને પકડી લાવો.’

ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી, પણ કેમે કર્યો એ હાથમાં ન આવ્યો. પેલો તો ચારમાંથી એક રત્ન વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો હતો કે, ‘શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલી આપજો. ખૂટે ત્યારે કહેજો.’ સીધું આવે એટલે પતાવી, ખાઈ કરી ખાટલામાં ઘરખૂણે પડી રહેતો. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ ન હતું. ચોર ન જ પકડાયો ત્યારે એક દિવસે પછી રાજાએ દરબાર ભર્યો. પ્રધાનને ને સૌ અધિકારીઓને પૂછ્યું કે, ‘ચોર તમારાથી પકડી શકાય એમ છે ?’ તેઓએ લાચાર બનીને ના પાડી. ત્યારે રાજાએ ચિઠ્ઠી લખીને એક માણસને આપી. ‘જા, આ માણસને બોલાવી લાવ.’ માણસ બોલાવવા આવ્યો ત્યારે ચોર તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું : ‘તું શો ધંધો કરે છે ?’

‘ચોરીનો ધંધો કરતો હતો, અન્નદાતા !’

‘કરતો હતો ? હવે કરતો નથી ?’

‘ના, મહારાજ. પહેલાં કરતો હતો. હવે નથી કરતો.’

‘ક્યારથી નથી કરતો ?’

‘રાજમહેલમાંથી ચોરી કરી ત્યારથી નથી કરતો.’

‘રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો ?’

‘રત્નો.’

‘કેટલાં ?’

‘ચાર.’

‘એ રત્નો ક્યાં છે ?’

‘ત્રણ રત્નો મારી પાસે છે.’

‘અને ચોથું ?’