પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ઇબ્રાહીમકાકા

મહાદેવ હરિભાઈ દેસાઈ

હું ખેડુતનો દીકરો છું; જો કે હું મારી ચોપડીઓમાં મશગૂલ રહું છું અને મેં કદી જાતે હળ નથી ચલાવ્યું. મારા પિતા સંસ્કૃતના મોટા પંડિતા હતા. પણ એમને તો ખેતી સારી પણ આવડતી. અમારા ઘરની નજીક એક મુસલમાન રહેતા હતા. તેમનું નામ ઇબ્રાહીમ હતું. તે જાતે વણકર છતાં ખેતી કરીને ગુજરાન મેળવતા. મારા પિતાનું અને એમનું ખેતર પણ જોડાજોડ હતાં. તેથી અમે ઘણે ભાગે નિકટના સહવાસમાં રહેતા. અમે છોકરાઓ આ ભલા મુસલમાનને ઇબ્રાહીમકાકા કહેતા. કેમ કે મારા પિતાને એ મિત્ર ભાઈ જેવા હતા.

ઇબ્રાહીમકાકા અમારા પર ઘણો પ્યાર કરતા; પેટના દીકરા કરતાં અમ મિત્રના ઘર પર તે વઘારે વહાલ રાખતા. તે ઘર્મનિષ્ઠ મુસલમાન હતા, અને અમારા વિઘિનિષેઘો સંભાળવાની અમે પરવા કરીએ એના કરતાં તે વઘારે કરતા. કેમકે દરેકે પોતાપોતાના નિયમો બરાબર સાચવવા જોઈએ, એવી તેમની ધર્મનિષ્ઠા હતી.

ઘણી વાર ખેતરમાં મોલ પાકવા આવ્યા હોય તે વખતે, મારા પિતા અને ઇબ્રાહીમકાકા એકબીજાના ખેતરની વારાફરતી સંભાળ રાખતા અને એ રીતે ઘણો વખત અને ખરચ બચાવતા. અમે છોકરાં ઘણી વાર પરોઢિયે ખેતરમાં જતાં, ત્યાં ઇબ્રાહીમકાકા કુમળી કાકડીઓથી અમારાં ગજવાં ભરી દેતા અને પોતાના ખેતરમાંથી સુંદર તરબૂચ કાઢીને અમને આપતા. અમે રોજ ખેતરમાં જઈએ ત્યારે ઇબ્રાહીમકાકાને બૂમ પાડીને કહેતાકહેતા: ‘ઇબ્રાહીમકાકા, ઊંઘો છો કે જાગો છો?’ એટલે એ ભલા ડોસા ફળ લઇને અમને આપવા આવતા. મારા પિતા પણ અમારા ખેતરમાંથી સારામાં સારાં તડબૂચ કાઢીને ઇબ્રાહીમકાકાને મોકલે.

અમે ઇબ્રાહીમકાકાના હાથમાંથી કશું ખાતા નહીં અને ભૂલથી પણ એ અમને ખાવા દેતા નહીં. પણ આ નિષેઘ સ્વાભાવિક થઈ ગયેલો અને અમે હિંદુ છીએ ને એ મુસલમાન છે માટે એમ થાય છે, એમ લાગતું નહીં. અમે ચાર ભાઈ હતા; પણ હું સૌથી નાનો, એટલે