પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



બાળક મૂળશંકર

ઝવેરચંદ મેઘાણી

સૌરાષ્ટ્રમાં મોરબી નામે દેશી રાજ્ય હતું. તેમાં ટંકારા નામે એક ગામ છે. આ ગામમાં એકસો ને સત્તર વર્ષ પહેલાં કરશનજીભાઈ નામના એક ઔદીચ્ય બ્રાહ્મણ રહેતા હતા. પોતે જમીનદાર હતા, લેણદેણનો ધંધો પણ કરતા . ભિક્ષાવૃત્તિ નહોતા કરતા. ચુસ્ત શિવભક્ત હતા.

તેમને ઘરે મૂળશંકર નામે દીકરો હતો. દીકરાને માતા પિતા કુળની રીતિ મુજબ શિક્ષણ દેતા હતાં. પાંચ વર્ષની વયે તો મૂળશંકરે દેવનાગરી કક્કો ભણવા માંડ્યો. મા-બાપ એને ધર્મશાસ્ત્રોના શ્ર્લોકો અને સુત્રો પણ મોઢે કરાવતાં હતાં.

મૂળશંકર આઠ વર્ષનો થયો, એને જનોઈ દીઘી. ગાયત્રી મંત્ર, સંધ્યા અને તેની ક્રિયા પણ શીખવવામાં આવ્યાં. યજુર્વેદની સંહિતાઓ પણ એને ભણાવવા લાગ્યા. ઉપરાંત પિતા એને માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાનું પણ કહ્યા કરતાં.

દીકરાનો આવો કઠોર ઉછેર મૂળશંકરની બાને ગમતો નહિ. છોકરો માંદો પડશે, છોકરાને સવારે વહેલા જમવાની ટેવ છે, એ મોડે સુઘી ભુખ્યો ન રહી શકે, અને પૂજાપાઠ કરે તો તો વહેલાં જમાય નહિ, એવું કહીને બા વિરોધ કરતાં. બાપુ હઠ કરતા કે પૂજા તો કરવી જા જોઈએ, કારણ કે એ તો કુટુંબની રીતિ છે. એમ કરતાં કરતાં આ વિરોધ એટલો બધો વધ્યો કે બા અને બાપુ વચ્ચે કંકાસ પણ મચવા લાગ્યો. આ અરસામાં મૂળશંકરે તો કંઈક વ્યાકરણ, વેદ વગેરેનો અભ્યાસ કરી કાઢ્યો. બાપુ એને પોતાની સાથે મંદિરોમાં ને સંમેલનોમાં લઈ જતા તથા કહેતા કે શિવ ઉપાસના જ સર્વથી શ્રેષ્ઠ છે. ચૌદ વર્ષનો થતા સુઘીમાં તો મૂળશંકરે યજુર્વેદની સંહિતા પૂરી શીખી લીઘી, બીજા વેદોના પાઠ પણ ખતમ કર્યા, નાના નાના વ્યાકરણ ગ્રંથો પણ ભણી કાઢ્યા. પછી તો જ્યાં જ્યાં શિવપુરાણ વગેરેની કથા થતી હોય ત્યાં બાપુ એને બેસારતા હતા અને બાની ના છતાં માટીના શિવલિંગનું પૂજન પણ એની પાસે કરાવતા હતા.