પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“છોકરા, આ તો કળિયુગ છે. કૈલાસ મહાદેવ સાક્ષાત દર્શન દેતા બંધ પડ્યા છે, એટલે જ એમની મૂર્તિનું આવાહન કરવાનું છે, અહીં એમની મૂર્તિ પૂજીએ એટલે ત્યાં કૈલાશમાં તે પ્રસન્ન થાય.”

મૂળશંકર ચૂપ બની ગયો. મનમાં ને મનમાં એને થયું, નક્કી આ બાબતમાં કાંઈક ગોટાળો છે. રાત હજુ ઘણી બાકી હતી, પણ મૂળશંકરને કકડીને ભૂખ લાગી હતી. એણે બાપુને પૂછ્યું, “ઘેર જાઊં?”

“હા, પણ ખબરદાર, સવાર પહેલા ખાઈ ન લેતો.”

ઘેર પહોંચીને મૂળશંકરે બાને કહ્યું, “બા, બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી.” બાએ મીઠાઈ આપી એ ખાઈને રાતના એકાદ વાગ્યે મુળશંકર સૂઈ ગયો.

બાપુએ સવારે ઘેર આવીને જાણ્યું કે મૂળશંકરે શિવરાત્રી ભાંગી તો તે બહુ ગુસ્સે થયા, કહે કે તે મહાપાપ કર્યું.”

મૂળશંકરે જવાબ આપ્યો, “આ કથાવાળા મહાદેવ નથી, તો પછી હું એની પૂજા શીદને કરું? તમે કહો છો કે ભણ પણ મને આ પૂજાપાઠમાંથી વખત જ ક્યાં મળે છે?” એવું મનમાં તો નહોતું છતાં ઉપરથી કહીને પિતાને શાંત પાડ્યા. બાએ ને કાકાએ પણ બાપુનો રોષ ઓછો કરાવ્યો, બાપુ કહે, ભલે ભણે. નાનકડા મૂળશંકરે ભણવા માંડ્યું ! નિઘંટુ, નિરુક્ત અને પૂર્વમિમાંસા જેવા અઘરાં શાસ્ત્રો શીખવા – ગોખવા લાગ્યો અને કર્મકાંડ પણ શીખવા લાગ્યો.