પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીજીનો અક્ષરદેહ

જાણવાનું મને સમાધાન મળ્યું કે ગમે તેમ પણ તેમને અંદરખાને એ વાત પસંદ હતી અને પાછળથી તેમણે જે કરી બતાવ્યું તે પરથી મેં જે ધાર્યું હતું તે ખોટું નહોતું એમ સાબિત થયું.

મારે કમનસીબે મિ. લેલી પોરબંદરમાં નહોતા. વિઘ્નો એકલાં નથી આવતાં, સામટાં આવે છે એ તદ્દન સાચું છે. પોતે સવારીએ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા બાદ તે તરત રજા પર જવાના હતા. મારા કાકાએ મને રવિવાર સુધી રાહ જોવાની સલાહ આપી. અને તેમણે મને કહ્યું કે ત્યાં સુધીમાં પાછા નહીં આવે તો તે જયાં હશે ત્યાં હું તને મોકલી આપીશ. પણ અહીં લખતાં મને ઘણી ખુશી થાય છે કે રવિવારે તે સવારીએથી પાછા ફર્યા. એટલે મારે તેમને સોમવારે મળવું એવું નક્કી થયું. તેમ હું તેમને મળવા ગયો. અંગ્રેજ સદ્દગૃહસ્થ સાથે મારે જિદગીમાં પહેલી વાર મુલાકાત લેવાનો પ્રસંગ હતો. પહેલાં તેમની સામે ઊભા રહેવાની મારામાં હિંમત નહોતી. પણ લંડનના વિચારથી હું હિંમતવાળો બન્યો. મારે તેમની સાથે ગુજરાતીમાં થોડી વાત થઈ. તેમને ઘણી ઉતાવળ હતી. પોતાના બંગલાના ઉપલા માળ પર જવાને દાદરે ચડતાં ચડતાં તે મને મળ્યા. તેમણે કહ્યું કે પોરબંદર રાજ ઘણું ગરીબ છે અને નાણાંની મદદ મને કરી શકે એમ નથી. છતાં, તેમણે કહ્યું, પહેલાં તમે હિંદુસ્તાનમાં ગ્રેજયુએટ થાઓ અને પછી મારાથી તમને કંઈ મદદ થઈ શકે એવી છે કે નહીં તે હું જોઈશ. બેશક, તેમના આવા જવાબથી મને નિરાશા થઈ, તેમની પાસેથી આવો જવાબ મળશે એવું મેં નહોતું ધાર્યું.

હવે મારે પરમાનંદભાઈને ૫,૦૦૦ રૂપિયા આપવાને કહેવાનું રહ્યું. તેમની પાસે માગતાં તેમણે મને જવાબ આપ્યો કે તારા કાકા તારી લંડન જવાની વાતને મંજૂર રાખે તો એટલાં નાણાં હું તને ખુશીથી આપીશ. એ કામ મને જરા કઠણ લાગ્યું. પણ કાકા પાસેથી મંજૂરી લાવવાનો મેં નિશ્ચય કર્યો. તેઓ કંઈક કામમાં હતા ત્યારે હું તેમને જઈને મળ્યો ને મેં તેમને આ પ્રમાણે કહ્યું : "કાકા, મારા લંડન જવાને વિષે તમે શું ધારો છો તે હવે મને કહો. અહીં આવવાનો મારો મુખ્ય હેતુ તમારી પાસેથી એ વાતની મંજૂરી લેવાનો છે." એટલે તેમણે જવાબ આપ્યો : "હું એ વાતને મંજૂરી આપી શકું તેમ નથી. હું જાત્રાએ જવાનો છું તે તું જાણે છે ખરો કે નહીં? અને તેથી લોકો લંડન જાય તે મને ગમે છે એવું કહું તો મારી નામોશી થાય કે નહીં? છતાં, તારી મા ને તારા ભાઈને એ વાત પસંદ હોય તો મને તેમાં જરાયે વાંધો નથી." એટલે મેં કહ્યું, "તો પછી તમે જાણતા લાગતા નથી કે મને લંડન જવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી તમે પરમાનંદભાઈને મને નાણાંની મદદ કરતા રોકો છો." આટલું કહેતાંની સાથે તેમણે રોષભર્યા અવાજમાં કહ્યું : "વાત એમ છે? ભલા માણસ, તે એમ શું કામ કહે છે તે તું જાણતો નથી. તે જાણે છે કે તારા જવાની વાતને હું કદી સંમતિ આપવાનો નથી. અને તેથી તે એ બહાનું આગળ ધરે છે. પણ સાચી વાત એવી છે કે તે તને એવી જાતની કોઈ મદદ કરવાનો નથી. હું કંઈ તેને મદદ કરતો રોકતો નથી." આમ અમારી વાત પૂરી થઈ. પછી હું રંગમાં આવી ગયો ને દોડતો પરમાનંદભાઈ પાસે પહોંચી ગયો. ત્યાં જઈ મારે ને કાકાને વાત થયેલી તે શબ્દશબ્દ મેં તેમને કહી સંભળાવી. એ સાંભળીને તે પણ બરાબર ગુસ્સે થઈ ગયા અને તરત જ તેમણે મને રૂપિયા ૫,૦૦૦ આપવાનું વચન આપ્યું. તેમણે આપેલા વચનથી હું રાજી રાજી થઈ ગયો અને વધારે ખુશીનું કારણ તો એ હતું કે તેમણે તેમના દીકરાના સોગન ખાધા. ત્યારથી મેં માની લીધું કે હવે હું જરૂર લંડન જવાનો. પછી હું થોડા દિવસ પોરબંદર રોકાયો અને જેમ વધારે રોકાયો તેમ મને આપવામાં આવેલા વચનની મને વધારે ખાતરી આપવામાં આવતી ગઈ.