પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
ઍડવોકેટ તરીકે નોંધાવા માટે અરજી


આ પહેલાં વૈજ્ઞાનિક દૃષ્ટિથી હું માંસને ચડિયાતો આહાર માનતો હતો. વળી, ત્યાં જ માન્ચેસ્ટર વેજિટેરિયન સોસાયટી[માન્ચેસ્ટરની શાકાહારી મંડળી]ના અસ્તિત્વની મને જાણ થઈ. પણ તેમાં મેં કશો ખાસ સક્રિય રસ નહોતો લીધો, વચ્ચે વચ્ચે હું धि वेजिटेरियन मेसेन्जर વાંચતો એટલું જ. धि वेजिटेरियनની મને જાણ થયાને તો આજે દોઢ જ વરસ થયું. એલ. વી. એસ.નો[૧] પરિચય મને ઇન્ટર નેશનલ વેજિટેરિયન કૉગ્રેસ [આંતરરરાષ્ટ્રીય શાકાહારી કૉગ્રેસ]ના અધિવેશન વખતે થયો કહેવાય. મિ. જોશિયા ઑલ્ડફીલ્ડે એક મિત્ર પાસેથી મારે વિષે સાંભળેલું એટલે તેમણે મને તેમાં હાજર રહેવાને કહેવડાવેલું અને તેમના માયાળુ સૌજન્યથી મને તે વિષેની ખબર મળેલી. અંતમાં મારે એટલું કહેવું જોઈએ કે ઇંગ્લંડના મારા લગભગ ત્રણ વરસના વસવાટ દરમિયાન મેં કેટલુંયે કરવા જેવું નહીં કર્યું હોય અને કદાચ ન કરવા જેવું ગણાય એવું કેટલુંયે કર્યું હશે પણ મારા દિલમાં એક ભારે સમાધાન લઈને જાઉં છું કે માંસ અગર દારૂને અડક્યા વગર હું વતન પાછો ફરું છું અને વિલાયતમાં કેટલાયે શાકાહારી છે તે વૃતિનો મને અંગત અનુભવ થયો છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૦–૬–૧૮૯૧


૧૩. ઍડવોકેટ તરીકે નોંધાવા માટે અરજી
મુંબઈ,


નવેમ્બર ૧૬, ૧૮૯૧


ન્યાયની વડી અદાલતના પ્રોથોનોટરી
અને રજિસ્ટ્રાર જોગ
મુંબઈ

સાહેબ,

હાઈકોર્ટના ઍડવોકેટ તરીકે દાખલ થવાની મારી ઇચ્છા છે. ગયા જૂન માસની ૧૦મી તારીખે ઇંગ્લંડમાં હું બૅરિસ્ટર તરીકે નોંધાયો છું. ઈનર ટેમ્પલમાં મેં બાર સત્ર ભર્યા હોઈ મારો ઇરાદો મુંબઈ ઇલાકામાં વકીલાત કરવાનો છે.

બૅરિસ્ટર તરીકે નોંધાયાનો મારો દાખલો હું આ સાથે રજૂ કરું છું. મારા ચારિત્ર્ય અને શક્તિ માટેના દાખલાની બાબતમાં જણાવવાનું કે ઇંગ્લંડમાં કોઈ ન્યાયાધીશ પાસેથી મેં કોઈ પ્રકારનું સર્ટિફિકેટ મેળવ્યું નથી કેમ કે મુંબઈની વડી અદાલતમાં અમલમાં આવતા નિયમોની મને જાણ નહોતી, ઇંગ્લંડની ન્યાયની સૌથી ઉચ્ચ અદાલતમાં બૅરિસ્ટર તરીકે ધંધો કરતા મિ. ડબલ્યુ. ડી. એડવર્ડઝ પાસેથી મળેલું સર્ટિફિકેટ હું જોકે આ સાથે રજૂ કરું છું.


  1. લંડન વેજિટેરિયન સોસાયટી - લંડનની શાકાહારી મંડળી