પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ગાંધીજીનો અક્ષરદેહ

છોડયા પછી મારે જોઈશે જ જોઈશે માટે વ્હિસ્કીની આઠ બાટલી સાથે લેવાની મને સલાહ આપેલી. બીજાએ વળી તમાકુ પીવાની સલાહ આપી કહેલું કે ઇંગ્લંડમાં તેના એક મિત્રને તેમ કરવું જ પડેલું દાક્તરીનો ધંધો કરનારા ઇંગ્લંડ જઈ આવેલા મિત્રો પણ એ જ વાત સંભળાવ્યા કરતા હતા, પણ મારે તો કોઈ પણ ભોગે અહીં આવવું હતું તેથી સૌને મેં કહેલું કે આ બધી વસ્તુઓથી આઘા રહેવાની મારાથી થાય તેટલી બધી કોશિશ કર્યા પછી મને લાગશે કે એ બધી બિલકુલ જરૂરી છે તો હું શું કરીશ તે કહી શકતો નથી. અહીં મારે કહેવું જોઈએ કે અત્યારે મને માંસની જેવી જબરી સૂગ છે તેવી ત્યારે નહોતી. જે દિવસોમાં જાતે વિચાર કરી કામ કરવાને બદલે મિત્રોને વિચાર કરવાનું સોંપી તેમને વાએ હું ચાલતો ત્યારે માંસ ખાવાની વાતમાં હું છસાત વાર ફસાયેલો પણ ખરો. પણ સ્ટીમર પર મારા વિચાર બદલાવા લાગ્યા, મને લાગ્યું કે કોઈ પણ હિસાબે મારે માંસ ન જ ખાવું હું અહીં આવવા નીકળ્યો તે પહેલાં મારી પાસે મારી માએ માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી, તેથી કંઈ નહીં તો તે પ્રતિજ્ઞાને ખાતર પણ માંસ ન ખાવાને હું બંધાયેલો હતો, અમારી સાથે મુસાફરી કરનારાઓ અમને (મારી જોડે હતા તે મિત્રને અને મને) માંસ ખાઈ જવાની સલાહ આપવા લાગ્યા.

તે બધા કહેતા કે એડન છોડયા બાદ તારે તેની જરૂર પડશે જ. એ વાત સાચી ન પડી ત્યારે રાતો સમુદ્ર પાર કર્યા પછી તો તે જોઈશે જ એવી વાત ચાલી. અને તે વાત પણ ખોટી પડી ત્યારે સાથે મુસાફરી કરનાર એક જણે કહ્યું, “આ વખતે ઠંડી સખત નથી પણ બિસ્કેના અખાતમાં પહોંચશે એટલે તારે મરણ અગર માંસ ને દારૂ વચ્ચે પસંદગી કરવાની આવશે એટલું ચોક્કસ જાણજે.” એ કટોકટી પણ હેમખેમ પાર કરી લંડનમાં પણ મારે એવા જ બધા વાંધા ને દલીલો સાંભળવી પડી. મહિનાના મહિના સુધી કોઈ શાકાહારી મારા જોવામાં ન આવ્યો, શાકાહાર તંદુરસ્તીને માટે પૂરતો છે એવી એક મિત્ર સાથે દલીલ કરી કરીને મેં કેટલાયે દિવસ ફિકરમાં ને ફિકરમાં કાઢયા; પણ શાકાહારની તરફેણમાં જીવદયા સિવાયની બીજી કોઈ દલીલનું મને ઝાઝું જ્ઞાન નહોતું તેથી હું તેની સાથે દલીલમાં હારી ગયો કેમ કે આવી ચર્ચામાં જીવદયાનો વિચાર વચ્ચે લાવવાની વાતને તેણે તુચ્છકારી કાઢી. આખરે મારી માને આપેલા વચનનો ભંગ કરવાને બદલે હું મરણને બહેતર લખીશ એવું જણાવી મેં તેનું મોઢું બંધ કર્યું એટલે તેણે મને કહ્યું, “ઊંહ, નાદાની, સાવ વહેમ; છતાં અહીં આવ્યા પછી પણ તું આવી અક્કલ વગરની વાતને વળગી રહેવા જેટલો વહેમી છે એટલે હવે મારાથી તને કશી મદદ થઈ શકે એવી નથી; તું અહીં ઇંગ્લંડ ન આવ્યો હોત તો સારું !”

સંભવ છે કે ત્યાર બાદ એકાદ વખત મને આ વિષે તેણે દબાણ કર્યું હશે તે સિવાય ફરી એ વાત કાઢી નહીં, જોકે એ પછી તેણે મને લગભગ મૂરખમાં ગણી કાઢયો હોવો જોઈએ. દરમિયાન એક શાકાહારી રેસ્ટોરાં ('પોરિજ બાઉલ') પાસેથી એક વાર નીકળ્યાનું મને યાદ આવ્યું. એક ગૃહસ્થને તેનો રસ્તો બતાવવાને મેં વિનંતી કરી પણ તેને બદલે “સેંટ્રલ” રેસ્ટોરાં મારી નજરે પડ્યું “એટલે હું ત્યાં પહોંચ્યો. પહેલી વાર જવના લોટની ઘેંશ મને ખાવાની મળી. પહેલાં તે મને ભાવી નહીં પણ બીજી વાનગી તરીકે પીરસવામાં આવેલી કચોરી મને ગમી. અહીંથી જ પહેલવહેલું મેં શાકાહાર વિષેનું થોડું સાહિત્ય ખરીદ્યું. તેમાં એચ. એસ. સૉલ્ટની લખેલી , ए प्ली फोर वेजिटेरियनिसम [શાકાહારની હિમાયત] નામની ચોપડી હતી અને તે વાંચી 'મેં સિદ્ધાંત તરીકે શાકાહારનો અંગીકાર કર્યો.