પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
હિંદી વેપારી

ન લાગતું હોય તો યુરોપિયન વેપારીએ શીખવા જેવું નથી શું? "બીજા તમારી સાથે જેમ વર્તે એમ તમે ઇચ્છતા હો તેવું વર્તન તમારે તેમની સાથે રાખવું."

પણ તમે કહો છો કે આ ભૂંડા એશિયાઈઓ અર્ધજંગલી ઢબે જીવે છે. અર્ધજંગલી જીવન વિષેના તમારા ખ્યાલો જાણવા મળે તો તેમાં ખરેખર રસ પડે. એ લોકો કેવી ઢબે જીવે છે તેનો મને થોડો ખ્યાલ છે મજાની કીમતી શેતરંજી અને શણગાર માટેના પડદા વગરનો ભોજનખંડ, જેના પર શોભા વધારવાને ફુલ ગોઠવેલાં નથી, જેના પર ભાતભાતના દારૂ અને ડુક્કરના ને ગાયના માંસની જેટલી જોઈએ તેટલી વાનીઓ પીરસવામાં આવેલી નથી એવું ઉપર પાથરવાના મોંઘા કાપડ વગરનું (અને સંભવ છે કે વાર્નિશ કર્યા વગરનું) જમવા માટેનું ટેબલ એ અર્ધજંગલી રહેણી હોય; મારા સાંભળવા પ્રમાણે ઉનાળાની અકળાવનારી ગરમીમાં જેને સારુ ઘણા યુરોપિયનો તેમની અદેખાઈ કરે છે એવો ગરમ આબોહવાને ખાસ માફક આવતો સફેદ, સગવડવાળો પહેરવેશ અર્ધજંગલી રહેણી હોય; બીર ન પીવો, તમાકુ ન વાપરવો, હાથમાં છટાદાર લાકડી લઈને ન ફરવું, સોનાનો ઘડિયાળનો છેડો ન લટકાવવો, રાચરચીલાંથી સજાવેલું દીવાનખાનું ન હોવું એ બધાં અર્ધજંગલી રહેણીનાં લક્ષણ હોય; ટૂંકમાં સામાન્યપણે જેને સાદી, કરકસરભરી જિંદગી સમજવામાં આવે છે તે અર્ધજંગલી જીવનપદ્ધતિ હોય તો હિંદી વેપારીએ તે આક્ષેપ સ્વીકારી લેવો જોઈએ અને સંસ્થાનની સર્વોચ્ચ સંસ્કૃતિમાંથી તે અર્ધજંગલી રહેણીને જેટલી વહેલી નાબૂદ કરવામાં આવે તેટલું બેશક સારું થાય.

સુધરેલાં રાજયોમાંથી એ કોમને બહાર હાંકી મૂકવાના કારણમાં જે તત્વોને સામાન્યપણે સમાવવામાં આવે છે તે બધાંયનો આ લોકોના દાખલામાં તદ્દન અભાવ છે. એ લોકો તરફથી સરકારને રાજકીય દૃષ્ટિથી જોખમ નથી એવું હું કહું તો તમારે તે વાતની સાથે સંમત થવું જોઈએ કેમ કે એ લોકો રાજકારણમાં માથું મારતા હશે તોયે નહીં જેવું જ મારે છે. એ લોકો નામીચા લૂંટારુ નથી. હું માનું છું કે ચોરી, લૂંટ, અથવા એવા જ બીજા નીચ ગુનાઓ કર્યાનો, અરે, હિંદી વેપારી પર તેવો આરોપ મુકાયાનો એક પણ દાખલો જાણવામાં નથી. (આ વાતમાં ભૂલ હોય તો હું સુધારવા તૈયાર છું.) તેમની દારૂ જેવાં કેફી પીણાં મુદ્દલ ન વાપરવાની આદતને લીધે તે બધા અસાધારણ શાંત નાગરિકો હોય છે.

પણ જેની ચર્ચા ચાલે છે તે અગ્રલેખમાં કહ્યું છે કે એ લોકોને કશો ખર્ચ હોતો નથી, એ લોકો પૈસો વાપરતા જ નથી. નથી વાપરતા? મને લાગે છે કે એ લોકો હવા ને લાગણીઓ પર ગુજારો કરતા હોવા જોઈએ. वेनिटी फेर નવલકથાનું પાત્ર બેકી બિલકુલ વગર ખરચે આખું વરસ ગુજારો કરતી. અને અહીં આખો ને આખો પ્રજાનો એક વર્ગ તેવું કરતો જડી આવ્યો છે. દુકાનભાડામાં, કરવેરામાં, ખાટકીને, કરિયાણાવાળાને, અનાજના વેપારીને, ગુમાસ્તાના પગારમાં, અને એવી બીજી બાબતોમાં તેમને કશું ચૂકવવાનું હોતું નથી એમ જ માનીને ચાલવું જોઈએ. આખી દુનિયામાં વેપારધંધાની સ્થિતિ જે કટોકટીએ પહોંચી છે તે જોતાં ખાસ કરીને આવા ઈશ્વરના આશીર્વાદ, પામેલા વેપારીઓના વર્ગમાં જ આપણે પણ હોઈએ તો કેવું સારું!

સાદાઈ, કેફી પીણાં ને ચીજોના વપરાશનો સદંતર ત્યાગ, સુલેહશાંતિભરી રહેણી, અને સૌથી વધારે તો વ્યવસ્થિત કામકાજ કરવાની અને કરકસરની કેળવણી, એ બધું બિચારા હિંદી વેપારીઓને વખાણને લાયક ઠરાવવામાં કામ આવવું જોઈએ તેને બદલે ખરેખર તેમના તરફના આ બધા તુચ્છકાર અને વેરના મૂળમાં હોય એમ એકંદરે લાગે છે અને વળી એ બધાયે બ્રિટિશ