પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
લૉર્ડ રિપનને અરજી


કર્યું[કર્યો] છે એ ઓછી દિલગીરીની વાત નથી. માજી રાજકારભારમાં આપના અરજદારના હકો ઉપર દાબ મેલવાને થયેલી ઓછી હિંમતવાળી કોશિશને ઉત્તેજન સરકાર તરફથી ન મળ્યું તો આપના અરજદારને પૂરી ઉમેદ છે કે આ યત્નની પણ એ જ દશા થશે ને આપના અરજદારને ન્યાય મળશે.

૨૮. ફ્રૅંન્ચાઈઝ બિલની સાથે છેટો સંબંધ રાખનારાં બીજાં દુ:ખદાયક પરિણામો એટલાં તો છે કે બધાંનું વર્ણન [ન?] થઈ શકે તોપણ અરજદાર થોડાં અહીં એકઠાં કરી તેનું વિવેચન કરશે.

૨૯. એ તો જાણીતી વાત છે કે કૉલોનીમાં યુરોપિયન અને ઇન્ડિયન કોમ વચ્ચે મોટો ફાંટો છે. યુરોપિયન ઈન્ડિયનને ધિક્કારે છે ને છેટો રાખે છે [ને] તેને ઘણી વાર જરૂર વિના ઈજા કરવામાં ને કનડવામાં આવે છે. અરજદાર અરજ કરે છે કે ફ્રૅંચાઈઝ બિલથી એ લાગણી વધારે તીખી થશે, તેનાં ચિહ્‍નો આજથી જ દેખાવા લાગ્યાં છે. આ ખરું છે એમ સાબિત કરવા અરજદાર ચાલતી તારીખના ન્યૂસપેપર અને બંને હાઉસમાં[નાં] ભાષણો તરફ આપ નામદારનું ધ્યાન ખેંચે છે.

૩૦. બીજી વંચાવણી વખતે કહેવામાં આવેલું કે ઇન્ડિયન ઉપર જે અટકાવ મૂકવામાં આવશે તેથી કાયદા કરનારા ઉપર વધારે મોટી જવાબદારી આવી પડશે અને હિંદુસ્તાનીઓના હક તેઓને અટકાવ ન હોય ને સચવાય તેના કરતાં વધારે સારી રીતે સચવાશે. અરજદારની વિનંતી છે કે આ વાત આજ સુધીના અનુભવથી વિરુદ્ધ છે.

૩૧. કેટલાક ઑન[રેબલ] મેમ્બરોએ એમ ધાર્યું કે ઇન્ડિયનને મ્યુનિસિપલ ઇલેકશનમાં પણ વોટ ન જોઈએ. જવાબદાર ઠેકાણે એમ પણ કહેવામાં આવેલું કે તે વાત ઉપર તુરત જ ભવિષ્યમાં ધ્યાન અપાવાશે. ફ્રૅંચાઈઝ બિલ તો અંગૂઠો છે [તે] મળશે તો પહેાંચો લઈ લેતાં વાર નહીં લાગે. આવી લાગણી જોવામાં આવી.

૩૨. આપ નામદારની જાણ બહાર નથી કે જે ઇન્ડિયન બંધણીમાં આવે છે તેની ઉપર જો તેઓ કૉલોનીમાં રહેવા માગે તો રહેવાનો કર મૂકવાનો ઇરાદો છે. એમ કહેવામાં આવ્યું હતું કે કર એવો નાખવામાં આવશે કે જેથી તેઓ કૉલોનીમાં ન જ રહી શકે અથવા તો કૉલોનિસ્ટ સાથે હરીફાઈ ન કરી શકે, જો આપના અરજદારના મત આપવાના હક લઈ લેવાય તો પછી અરજદારના હક વધારે સારી રીતે કેમ સચવાશે તેનો આ વળી એક બીજો દાખલો છે.

૩૩. સિવિલ સર્વિસ બિલ ઉપર ભાષણો થયાં તેમાં એમ કહેવામાં આવેલું કે જયારે ઇન્ડિયન પાસેથી વોટ લઈ લેવાના છે ત્યારે પછી તેને સિવિલ સર્વિસમાં દાખલ થવાને હક પણ ન રહેવા દેવો. આવી દરખાસ્ત પણ થયેલી તે માત્ર ગવર્નમેન્ટની હોશિયારીથી તેઓએ હાઉસના વોટ લેવા માગ્યા ને ઑન[રેબલ] સ્પીકરના કાસ્ટિંગ વોટથી તે દરખાસ્ત રદ થઈ. અરજદાર પૂરેપૂરું કબૂલ કરે છે કે આ બાબતમાં ગવર્નમેન્ટે ઇન્ડિયન તરફ ભલાઈની વર્તણૂક ચલાવી તોપણ આ બીનાઓનાં વલણ ને અર્થ ન ભુલાય એવાં છે, ફ્રૅંચાઈઝ બિલે તે દરખાસ્તને વાસ્તે તક આપી.

૩૪. આપ નામદારના અરજદાર સમજે છે કે જાતના કે ભાતના ભેદ કેપ કૉલોનીમાં નથી.

૩૫. અરજદાર માનપૂર્વક બતાવવા રજા માગે છે કે જો બિલ કાયદો થશે તો તેની અસર સાઉથ આફ્રિકાના બીજા ભાગમાં ઇન્ડિયન બ્રિટિશ રૈયતના હકમાં અતિ ખરાબ થશે.