પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
નાતાલ ધારાસભાને અરજી


ન્યાયાધીશના ફેંસલાને લગતાં ઉપર જણાવેલાં વિધાન સાચાં હોય તો ઉપર જણાવેલા કાયદા મુજબ વડી અદાલત આગળ રજૂ કરવામાં આવનારા કોઈ પણ કામના ફેંસલામાં નિર્ણય આ પ્રજાસત્તાક રાજયમાં રહેનારા નેક નામદાર શહેનશાહબાનુના હિંદી પ્રજાજનોની વિરુદ્ધમાં અગાઉથી થઈ ચૂકયો હશે. એટલે પંચે પોતાની આગળ રજૂ કરવામાં આવેલા રજૂઆતના દસ્તાવેજમાં બતાવવામાં આવેલા મુદ્દાઓ મુજબ સવાલનો નિર્ણય આપ્યો નથી પણ તેને પ્રજાસત્તાક રાજ્યની વડી અદાલત પર લગભગ છોડી દીધેલો હોઈ અમે સાદર સૂચવવા ચાહીએ છીએ કે પંચે પોતાની આગળ મૂકવામાં આવેલા મુદ્દાઓને અનુસરીને નિર્ણય આપ્યો નથી. તેથી નેક નામદાર શહેનશાહબાનુની સરકારની સાથે લખાણ કરી તેમને પંચના લવાદી ચુકાદાથી સંતોષ થયો છે કે કેમ અને તેમાં તેમની સંમતિ છે કે કેમ તેની ચોકસાઈ કરવાને અમે આપ નામદારને સાદર વિનંતી કરીએ છીએ.

(સહી)તૈયબ હાજી ખાન મહમદ

 

અબદુલ ગની

 

હાજી હબીબ હાજી દાદા

 

[મૂળ અંગ્રેજી]

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યના નેક નામદાર શહેનશાહબાનુના હાઈ કમિશનર તરફથી સંસ્થાનો માટેના મુખ્ય સેક્રેટરી ઑફ સ્ટેટને મોકલવામાં આવેલા ૧૮૯૫ની સાલના એપ્રિલ માસની ૨૯મી તારીખના નં. ૨૦૪ના ખરીતા સાથેનું બિડાણ.

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૪૧૭, ભાગ ૧૪૮



૪૯. નાતાલ ધારાસભાને અરજી[૧]
[ડરબન,

 

મે ૫, ૧૮૯૫ની પહેલાં ]

 

નાતાલ સંસ્થાનની ધારાસભાના નામદાર પ્રમુખ અને સભ્યો જોગ


નાતાલ સંસ્થાનમાં રહેતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રતાથી દર્શાવે છે કે,

તમારી સમક્ષ વિચારણાને માટે હમણાં મુકાયેલા धि इन्डियन इमिग्रेशन लॉ एमेन्डमेन्ट बिल (હિંદીઓના રાજ્યમાં પ્રવેશને લગતા કાયદાના સુધારાના ખરડા)ની બાબતમાં તમારા અરજદારો આ સંસ્થાનમાં વસતા હિંદીઓના પ્રતિનિધિની હેસિયતથી તમારી નામદાર ધારાસભાને આથી સાદર અરજ ગુજારે છે.

તમારા અરજદારો સાદર સૂચવે છે કે ખરડાના જેટલા ભાગમાં મુદતના કરાર ફરી કરવાની અને તેવો કરાર ન કરવામાં આવે તો કર નાખવાની જોગવાઈ રાખવામાં આવી છે તેટલો ભાગ ખુલ્લી રીતે અન્યાયી, કારણ વગર કરવામાં આવતો નાહકનો અને બ્રિટનનું બંધારણ જે પાયાના સિદ્ધાન્તો પર આધાર રાખે છે તેમના સીધા વિરોધમાં છે.


  1. આ અરજી धि नाताल एडवर्टाइझरમાં ૧૮૯૫ની સાલના મે માસની ૫મી તારીખે પ્રસિદ્ધ થઈ હતી.