પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
ગાંધીજીનો અક્ષરદેહ


એકાએક તેની સામે ખડો થઈને ઊભો રહે છે. હરીફાઈમાં હિંદી વધારે સફળ નીવડે છે અને અંગ્રેજ વેપારીના કરતાં થોડામાં ચલાવે છે એ દલીલ અન્યાયીમાં અન્યાયી અને નબળામાં નબળી છે. બીજાં રાષ્ટ્રોની આપણે વધારે સફળપણે હરીફાઈ કરવાને સમર્થ છીએ એ હકીકત અંગ્રેજ વેપારનો ખુદ પાયો છે. પોતાના હરીફોની વધારે સફળ વેપારી રીતરસમોની સામે પોતાના બચાવને સારુ રાજ્ય વચ્ચે પડે એમ અંગ્રેજ વેપારીઓ ઇચ્છે છે ત્યારે રક્ષણની વાત ખરેખર પાગલપણાની હદે પહોંચી જાય છે. હિંદીઓને એવો હડહડતો અન્યાય થાય છે કે માત્ર વેપારમાં તેમને મળતી સફળતાને કારણે પોતાના દેશબંધુઓ એ લોકોની સાથે દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓની માફક કામ લેવાય એમ ઇચ્છે છે ત્યારે તેમને માટે શરમથી નીચું જોવા જેવું થાય છે. રાજ કરનારી જાતિની સામે તેઓ આટલા સફળ થયા એટલું એક જ કારણ તે હલકા દરજજાથી તેમને ઊંચે ચડાવવાને પૂરતું છે. . . . અખબારોના, ડચમૅનોના અને નિરાશ થયેલા વેપારીના “કુલી” કરતાં હિંદી વેપારી કંઈક વિશેષ છે એટલું દર્શાવવાને પૂરતું કહેવાઈ ચૂકયું છે.

૨૮. ઉપર આપવામાં આવેલા ઉતારા પરથી એ પણ સમજાશે કે સ્વાર્થની મારી આંધળી થયેલી નથી હોતી ત્યારે યુરોપિયનોની લાગણી હિંદીઓની વિરુદ્ધ હોતી નથી. પણ ઉપર જણાવેલી ગ્રીન બુકો (સરકારી પ્રકાશનો)માં બધે વારીવારીને કહેવામાં આવ્યું છે કે રાજયના નાગરિકો (બર્ગરો) તેમ જ યુરોપિયન રહેવાસીઓ હિંદીઓની સામે વાંધો લે છે તેથી તમારા અરજદારો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યના માનનીય રાજ્યપ્રમુખને બે અરજીઓ મોકલાવે છે જેમાંની એક દર્શાવે છે કે રાજયના નાગરિકો (બર્ગરો)માંથી ઘણી મોટી સંખ્યાના હિંદીઓ ટ્રાન્સવાલમાં સ્વતંત્રપણે રહે અને વેપાર ચલાવે તેની વિરુદ્ધ નથી એટલું જ નહીં, રંજાડ કરે એવાં કાયદાનાં પગલાંને પરિણામે આખરે તેઓ રાજ્ય છોડી જાય તેને મોટી હાડમારી પણ લેખશે (પરિ. પ); અને બીજી જેના પર યુરોપિયન રહેવાસીઓએ સહીઓ કરી છે તે દર્શાવે છે કે સહી કરનારાઓને મતે હિંદીઓના સ્વચ્છતા તેમ જ આરોગ્યને લગતા રિવાજો યુરોપિયનોના તેવા રિવાજો કરતાં કોઈ રીતે ઊતરતા નથી અને હિંદીઓની સામેની ચળવળ વેપાર અંગેની અદેખાઈને આભારી છે (પરિ. ૬). પણ વસ્તુસ્થિતિ એથી જુદી હોઈ, રાજ્યનો એકેએક નાગરિક (બર્ગર) અને એકેએક યુરોપિયન રહેવાસી હિંદીઓનો હાડોહાડ વિરોધી હોય તોયે તમારા અરજદારો સૂચવે છે કે મૂળ મુદ્દાને કશી અસર થતી નથી; હા, જે કારણોને લીધે એવી વસ્તુસ્થિતિ શકય બને તે એવાં હોય કે જેની સામે એ પ્રકારની લાગણી ફેલાયેલી હોય તે કોમને તે કારણોથી નીચું જેવાપણું થાય તો વાત જુદી છે. એ -અરજીઓ છાપવાનું શરૂ થતાં સુધીમાં (૧૪-૫-'૯૫ ) ડચ નાગરિકો (બર્ગરો)ની અરજી પર ૮૯૪ અને યુરોપિયન રહેવાસીઓની અરજી પર ૧,૩૦૦ સહીઓ થઈ ચૂકી હતી.

૨૯. ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશના લવાદી ચુકાદાથી સવાલ જરાયે સરળ થતો નથી કે તેનું નિરાકરણ એક ડગલુંયે નજદીક આવતું નથી એ નીચેની બીનાથી દેખાશે:

લવાદી ચુકાદો જાણે કે અપાયો જ ન હોય તેમ નેક નામદાર શહેનશાહબાનુની સરકારે રાખેલી રક્ષણની જોગવાઈનો પ્રત્યક્ષ અમલ પહેલાંની જેમ જરૂરી રહેશે. કેમ કે, દલીલને ખાતર અને કેવળ તેટલા જ ખાતર માની લઈએ કે લવાદી ચુકાદો યોગ્ય અને છેવટનો છે, અને ટ્રાન્સવાલની વડી અદાલતના વડા ન્યાયાધીશે ઠરાવ્યું છે કે હિંદીઓએ સરકારે મુકરર કરેલી