પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨
ગાંધીજીનો અક્ષરદેહ


તમારા અરજદારો નમ્રપણે માને છે કે સાથે જોડવામાં આવેલી અરજીમાં આ વાંધાઓનો જવાબ આપવામાં આવ્યો છે. લંડનનો કરાર નેક નામદાર શહેનશાહબાનુના બધાયે બ્રિટિશ પ્રજાજનોના હકોને ખાસ રક્ષણ આપે છે. આ સ્વીકારાયેલી હકીકત છે, નેક નામદાર શહેનશાહબાનુની સરકારે એ કરારથી ફંટાઈને ચાલવાને તેમ જ લવાદીને स्वच्छतानां कारणोसर પોતાની સંમતિ આપી હતી. અને તમારા અરજદારોને માહિતી આપવામાં આવી છે કે એ કરારની સમજૂતીથી જુદી રીતે ચાલવાને આપવામાં આવેલી સંમતિ તમો નામદારના હોદ્દા પર તમારી આગળના આવી ગયેલા નામદાર સાથે સલાહમસલત કર્યા વગર આપવામાં આવી હતી. આમ, તમારા અરજદારો આગ્રહપૂર્વક કહેવાનું સાહસ કરે છે કે, હિંદની સરકારને લાગેવળગે છે ત્યાં સુધી એ સંમતિ બંધનકર્તા નથી. હિંદી સરકાર સાથે સલાહમસલત થવી જોઈતી હતી એ બીના આપમેળે સાબિત થાય એવી છે. અને આ તબક્કે માત્ર આ એક કારણસર તમો નામદાર તમારા અરજદારોની વતી આ મામલામાં વચ્ચે પડવા રાજી ન હો તોપણ જે કારણો બતાવી આ સંમતિ આપવાને સમજાવવામાં આવ્યું તે કારણો મોજૂદ નહોતાં અને નથી એટલી હકીકત તેમ જ નેક નામદાર શહેનશાહબાનુની સરકારને ખોટી રજૂઆતો વડે ગેરરસ્તે ચડાવી દેવામાં આવી છે તે હકીકત તમો નામદારને દરમિયાનગીરી કરવાને અરજ કરવાનું અને તે અરજ મંજૂર રાખવાનું વાજબી કારણ પૂરું પાડે છે એમ તમારા અરજદારો નમ્રપણે સૂચવવા ચાહે છે.

અને આ મામલામાંથી ઊભા થતા મુદ્દાઓ એવા ગંભીર મહત્ત્વના તેમ જ આખાયે સામ્રાજ્યને લગતા છે કે જાહેર સુખાકારીને અંગે મૂકવામાં આવતા આરોપો સામે તમારા અરજદારોએ ભારપૂર્વક પણ નમ્રતાથી લીધેલા વાંધાને ખ્યાલમાં લઈ, તમારા અરજદારો નમ્રતાપૂર્વક સૂચવવા ચાહે છે કે, પૂરેપૂરી તપાસ કર્યા વગર આ સવાલનો નિવેડો આવી શકે તેવો નથી અને તેવી તપાસ વગર નિવેડો લાવવાથી દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાં રહેતાં નેક નામદાર શહેનશાહબાનુનાં પ્રજાજનોને અન્યાય થયા વગર રહે નહીં.

તમો નામદારનો મૂલ્યવાન સમય હવે વધારે ન લેતાં આની સાથે જોડવામાં આવેલી અરજી પર એકાગ્રતાથી ધ્યાન આપવાને તમો નામદારના અરજદારો ફરીને વિનંતી કરે છે અને છેવટમાં અંતરથી આશા રાખે છે કે દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદી બ્રિટિશ પ્રજાજનોને તમો નામદારનું રક્ષણ ઉદારપણે બક્ષવામાં આવશે.

અને ન્યાયના તેમ જ દયાના આ કાર્યને સારુ તમારા અરજદારો હંમેશ બંદગી ગુજારશે.

[મૂળ અંગ્રેજી]

છાપેલી નકલની છબી પરથી