પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ૪. નાતાલ કાઉન્સિલને અરજી[૧]
[ડરબન,]

 

[જૂન ૨૬, ૧૮૯૫ પહેલાં]

 

નામદાર લેજિસ્લેટિવ કાઉન્સિલના નામદાર પ્રમુખ તેમ જ સભ્યો જોગ

નાતાલ સંસ્થાનમાં વેપારીઓ તરીકે રહેતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રતાપૂર્વક દર્શાવે છે કે :

સંસ્થાનમાંની હિંદી કોમના પ્રતિનિધિની હેસિયતથી તમારા અરજદારો આથી તમારી નામદાર કાઉન્સિલને ઇન્ડિયન ઈમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલ (હિંદીઓને સંસ્થાનમાં પ્રવેશ કરવા દેવાને લગતા કાયદાના સુધારાના ખરડા)ની બાબતમાં તે ખરડો મજૂરીના કરારની ચાલુ મુદતને અસર કરે છે તેટલા પૂરતી અને પોતાના કરારની મુદત પૂરી થયે સ્વતંત્ર હિંદી તરીકે સંસ્થાનમાં રહેવા માગનારા સંસ્થાનમાં દાખલ થયેલા હરેક હિંદીએ વરસોવરસ ૩ પાઉન્ડ ભરી પરવાનો કઢાવવાની દરખાસ્ત કરે છે તેને અંગે અરજ ગુજારવાનું સાહસ કરે છે.

તમારા અરજદારો સાદર નિવેદન કરવાની રજા ચાહે છે કે ઉપર જણાવેલી ખરડાની બંને કલમો બિલકુલ અન્યાયી હોઈ તેમને સામેલ કરવા માટે કોઈ કારણ ઊભું થયું નથી.

આ બાબતને અંગે તપાસ કરી હેવાલ રજૂ કરવાને હિંદુસ્તાન મોકલવામાં આવેલા પ્રતિનિધિ મિ. બિન્સ અને મિ. મેસનના હેવાલમાંથી નીચેના ફકરા તરફ તમારા અરજદારો તમારા નામદાર સભાગૃહનું નમ્રતાપૂર્વક ધ્યાન ખેંચે છે :

મજૂરીના કરાર માટે બીજી મુદતને સારુ સંમતિ આપવાને હિંદુસ્તાનની સરકાર પાસે વારંવાર માગણી થઈ હોવા છતાં કુલીઓ દેશાન્તર કરી જ્યાં જ્યાં ગયા છે તેવા કોઈ પણ મુલક સાથે તેવી સમજૂતી થઈ નથી; અને કરારની મુદત પૂરી થયે ફરજિયાત હિંદુસ્તાન પાછા ફરવાની શરત એક પણ દાખલામાં મંજૂર રાખવામાં આવી નથી.

તમારા અરજદારો નિવેદન કરે છે કે ખરડાની એ કલમો મૂળ સમજૂતીથી સરિયામ જુદી પડે છે અને તેથી બધાંયે બ્રિટિશ સંસ્થાનોમાં જે રિવાજ ચાલે છે તેના કરતાં સ્થિતિ વધારે બગડે છે.

મજૂરી માટેના મુદતી કરારથી બંધાઈને આવનારા હિંદીની સરેરાશ ઉંમર કરાર થાય તે વખતે પચીસ વરસની માનીને ચાલીએ તો જે કલમથી હિંદી મજૂર પાસે દસ વરસ કામ લેવાની અપેક્ષા રાખવામાં આવી છે તેના અમલથી મજૂરીના કરાર મુજબ આવનાર હિંદીની જિંદગીનો સારામાં સારો ગાળો બંધનની દશામાં જ વહી જાય.

દસ વરસ સુધી સંસ્થાનમાં ચાલુ વસવાટ કર્યા બાદ કોઈ પણ હિંદીએ હિંદુસ્તાન પાછા જઈ રહેવાની વાત ચોખ્ખી મૂર્ખાઈ જ ઠરે, તેનાં બધાં જૂનાં બંધનો ને સંબંધો તૂટી ગયેલાં હોય. આવો હિંદી પોતાની માતૃભૂમિમાં પ્રમાણમાં અજાણ્યા આગંતુક જેવો હોય. હિંદુસ્તાનમાં


  1. ૧. આ અરજી धि नाताल मरक्युरी માં ૧૮૯૫ની સાલના જૂન માસની ૨૬મી તારીખે પ્રસિદ્ધ થઈ હતી.