પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
ગાંધીજીનો અક્ષરદેહ


વડા ન્યાયાધીશ કેવડા મોટા અધિકાર ક્ષેત્ર ઉપર સત્તા ધરાવે છે, છતાં બંગાળમાં તથા મદ્રાસમાં બંને જગ્યાએ એ પદો હિંદીઓએ ધારણ કર્યાં છે. જેઓ, બ્રિટિશ અને હિંદી બંને જાતિઓને “પ્રેમના રેશમી બંધને” બાંધવા ઇચ્છતા હોય તેમને માટે બંનેને નજીક લાવનારા સંખ્યાબંધ મુદ્દાઓ ઓળખવાનું મુશ્કેલ નહીં થાય. બંનેના ત્રણ ધર્મોમાં પણ દેખીતા વિરોધાભાસ છતાં ઘણી સમાન વાતો રહેલી છે અને ત્રિમૂર્તિ સ્વરૂપે તેમનું ઐકય થાય તે તે બૂરું બનવા નહીં પામે.

હું છું, આપનો વગેરે

 

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી ]

धि नाताल मर्क्युरी, ૨૩-૯-૧૮૯૫


૬૦. ઇન્ડિયન કૉંગ્રેસ
ડરબન,

 

સપ્ટેમ્બર ૨૩, ૧૮૯૫

તંત્રીશ્રી,

धि नाताल एडवर्टाइझर

સાહેબ,

આપના શનિવારના અંકમાં “ઇન્ડિયન કૉંગ્રેસ” અથવા વધારે સારી રીતે કહીએ તો “ધિ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ” ઉપરની તમારી ટીકા એ જોતાં કસમયની છે કે જે કેસમાં[૧] કૉંગ્રેસના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો હજી નિકાલ આવ્યો નથી. જો કોર્ટનો તિરસ્કાર કરવાનું જોખમ ખેડવાનો મને ભય ન હોત તો આ કેસ સાથે કૉંગ્રેસ કયા સંજોગોમાં સંકળાયેલી છે તે વિષે મેં કાંઈક કહ્યું હોત. એટલે કેસ પૂરો થાય ત્યાં સુધી આ બાબત ઉપર કાંઈ પણ કહેવાનું મુલતવી રાખવાની મને ફરજ પડે છે.

દરમિયાનમાં, આપની ટીકાને કારણે ઉત્પન્ન થતી કોઈ પણ ખોટી છાપ દૂર કરવા માટે આપની રજાથી હું કૉંગ્રેસના ઉદ્દેશોની સ્પષ્ટતા કરીશ. એ ઉદ્દેશો આ પ્રમાણે છે:

“(૧) સંસ્થાનમાં વસતા યુરોપિયનો અને હિંદીઓ વચ્ચે વધારે સારી સમજણ પેદા કરવી તથા ભ્રાતૃભાવ કેળવવો.

  1. નાતાલ હિંદી કૉંગ્રેસના આગેવાને ઉપર એવા આરેાપ મૂકવામાં આવ્યા હતા કે હુમલો કરવાના એક મુકદ્દમામાં એક હિંદી સાક્ષીને જુબાની આપતા અટકાવવામાં તેમને હાથ હતા, વાસ્તવિક રીતે આરોપ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસના એક સભ્ય પાદાયાચી સામે હતો, પણ કહેવામાં એવું આવ્યું કે એણે કૉંગ્રેસના આગેવાનોની ઉશ્કેરણીને કારણે એ પ્રમાણે કર્યું. વધારામાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યો કે ગાંધીજીની દોરવણી નીચે સરકાર સામે લડાઈ કરવાને કૉંગ્રેસ કાવતરું કરી રહી હતી, એણે હિંદી મજૂરોને તેમની ફરિયાદો અંગે ચળવળ કરવાને ઉશ્કેર્યા છે, ગાંધીજી એમની પાસેથી અને હિંદી વેપારીઓ પાસેથી, રાહત મેળવવામાં મદદ કરવાનું વચન આપીને પૈસા કઢાવતા હતા, અને એ નાણાં પોતાના ઉપયોગ માટે વાપરતા હતા. ગાંધીજીએ સંસ્થાન મંત્રીને લખેલે એકટોબર, ૨૧, ૧૮૯૫ ને પત્ર પણ જુએા પા. ૧૯૩-૯૫.