પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
હિંદી મતાધિકાર

આશ્રયે લે છે કે હિંદીઓ દેશી લોકોમાં દારૂ પૂરો પાડે છે અને તેનાથી તે લોકો ખરાબ થાય છે. હવે મારું કહેવું એવું છે કે હિંદીઓને અપાતો મતાધિકાર આ પરિસ્થિતિમાં આમ કે તેમ કશો ફરક પાડી શકે એમ નથી. જો હિંદીઓ દારૂ પૂરો પાડતા જ હોય તો તેઓ મતાધિકાર મળવાને કારણે તે વધારે પ્રમાણમાં પૂરો પાડવાના નથી. હિંદી મતાધિકાર, સંસ્થાનની દેશી લોકો અંગેની નીતિ ઉપર અસર પાડી શકે એટલો પૂરતો મજબૂત કદી બની નહીં શકે. આ નીતિ ઉપર તો ડાઉનિંગ સ્ટ્રીટમાંની બ્રિટિશ હકૂમત માત્ર ચોકસાઈપૂર્વક દેખરેખ જ નથી રાખી રહી પરંતુ ઘણે મોટે અંશે તેનું નિયંત્રણ પણ કરી રહી છે. હકીકતમાં, આ બાબતમાં તો ડાઉનિંગ સ્ટ્રીટની સરકાર આગળ યુરોપિયન સાંસ્થાનિકોનું પણ કશું ચાલતું નથી. પણ આપણે વચમાં ઘડીભર હકીકતો તપાસીએ. આ પહેલાં યાદી ઉપર મુકાઈ ગયેલા હિંદી મતદારોની પરિસ્થિતિ બતાવતું પૃથક્કરણાત્મક કોષ્ટક જેનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરથી દેખાય છે કે તેમની સૌથી મોટી સંખ્યા વેપારીઓની છે. એ વાત જાણીતી છે કે આ વેપારીઓ માત્ર જાતે દારૂથી દૂર રહેનારા છે એટલું જ નહીં પણ તેઓ દેશમાંથી દારૂની સદંતર બંધી થાય તો સારું એવું ઇચ્છનારા છે. અને જે મતદારોની યાદી એવી ને એવી ચાલુ રહે તો એ મતની દેશીઓની નીતિ ઉપર જો કાંઈ પણ અસર પડવાની જ હોય તો તે સારી જ હશે, પરંતુ ૧૮૮૫-૧૮૮૭ના હિંદી પ્રવાસી કમિશનના હેવાલમાંનો નીચેનો ઉતારો બતાવે છે કે આ બાબતમાં હિંદીઓ યુરોપિયનો કરતાં વધારે ખરાબ નથી, આ ઉતારો આપવામાં તુલના કરવાનો મારો જરા પણ ઇરાદો નથી. તુલના તો મેં બને એટલી ટાળવાનો પ્રયાસ કર્યો છે. તે જ રીતે આમ કરીને હું મારા દેશબંધુઓનો બચાવ પણ કરવા માગતો નથી, કોઈ પણ હિંદી પીધેલો કે દેશી લોકોને દારૂ પૂરો પાડતો મળી આવે તો તેથી મને જેટલું દુ:ખ થાય એટલે બીજા કોઈને નહીં થઈ શકે. વાંચનારને હું એટલી ખાતરી આપવા માગું છું કે મારી એકમાત્ર ઈચ્છા એ બતાવવાની છે કે આ ખાસ કારણને લઈને ઉપસ્થિત થતો હિંદી મતાધિકાર સામેનો વાંધો તદ્દન ઉપરછલ્લો છે અને તપાસમાં સાચો ઠરતો નથી.

કમિશનના આ સભ્યોને બીજી બાબતો સાથે હિંદીઓ સામેના દારૂ પીવાના અને તેમાંથી ઊભા થતા ગુનાઓ બાબતના આરોપો વિષે ખાસ કામ સોંપાયું હતું. તેઓ પોતાના હેવાલના પા. ૪૨ અને ૪૩ ઉપર કહે છે:

અમે આ વિષયમાં ઘણા સાક્ષીઓ તપાસ્યા છે. એમની જુબાની અને મળી આવતા ગુનાઓ બાબતના આંકડાઓ ઉપરથી અમને એ વાતની ખાતરી નથી થઈ કે મદ્યપાન અને તેમાંથી નીપજતા ગુનાઓનો ફેલાવો, જેની સામે કોઈ એવા પ્રતિબંધક કાનૂનો ઘડવાની દરખાસ્ત નથી થઈ એ લોકોના બીજા વર્ગમાં થયો છે એના કરતાં હિંદી પ્રવાસીઓમાં વધારે મોટા પ્રમાણમાં થયો છે.
અમને કોઈ શક નથી કે એ આરોપમાં ઘણું સત્ય રહેલું છે કે દેશી લોકોને,હિંદીઓ મારફતે જલદ દારૂ ઝટ મળી જાય છે. પરંતુ એ લોકો આ બાબતમાં ચોરીછૂપીથી દારૂનો ધંધો કરતા ગોરાઓ કરતાં વધારે ગુનેગાર છે એ વાતમાં અમને શંકા છે.
સાવચેતીપૂર્વક તપાસતાં એવું માલૂમ પડયું છે કે જે વસાહતીઓ સામે દેશીઓમાં દારૂ વેચવા કે ખપાવી દેવાની ખૂબ જોરથી ફરિયાદ કરનારા તે જ લોકો છે કે જેઓ