પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
નાતાલમાં શાકાહાર

દક્ષિણ આફ્રિકાની આબોહવા એવી છે કે એકલા યુરોપિયનો ત્યાંની જમીનમાં રહેલી શકયતાનો વિચાર કરતાં તેનો પૂરો ઉપયોગ કદી કરી શકશે નહીં. મદદ કરવા માટે તેમની પાસે હિંદીઓ હાજર છે પણ રંગદ્વેષને કારણે યુરોપિયનો તેમનો લાભ ઉઠાવવા ઇચ્છતા નથી. અને આ રંગદ્વેષ દક્ષિણ આફ્રિકામાં ઘણો જ તીવ્ર છે. નાતાલમાં કે જ્યાં સંસ્થાનની સમૃદ્ધિ હિંદી મજૂરો ઉપર આધાર રાખે છે એવું સ્વીકારવામાં આવ્યું છે ત્યાં પણ રંગદ્વેષ ઘણો જ તીવ્ર છે. મારા ઉપર એક બગીચા માલિકનો પત્ર આવ્યો છે. હિંદી મજૂરોને રોકવાની એની ગમે એટલી ઇચ્છા હોવા છતાં આ રંગદ્વેષને કારણે એ લાચાર બન્યો છે. એટલે અહીં શાકાહારીઓ માટે દેશસેવાના કાર્ય માટે અવકાશ છે. દક્ષિણ આફ્રિકામાં ગોરાં બ્રિટિશ પ્રજાજનો તથા હિંદીઓ વચ્ચેનો સંબંધ દિવસે દિવસે ઘાડો થતો જાય છે. ઉચ્ચ કોટિના અંગ્રેજ અને હિંદી રાજદ્વારી પુરુષો એવો અભિપ્રાય ધરાવે છે કે બ્રિટન અને હિંદને પ્રેમની સાંકળ વડે તેઓ કદી છૂટા નહીં પડે એ રીતે બાંધી શકાય એમ છે. અધ્યાત્મવાદીઓ આવાં જોડાણમાંથી સારાં પરિણામોની આશા સેવે છે. પણ, દક્ષિણ આફ્રિકના ગોરાં બ્રિટિશ પ્રજાજનો આવા જોડાણમાં હરકત નાખવા અને તેને અટકાવવા માટે એમનાથી થઈ શકે એટલો બધો પ્રયાસ કરી રહ્યાં છે. આ સંજોગોમાં એવો સંભવ છે કે આવા મહાન સંકટને રોકવાને કોઈ શાકાહારી આગળ આવે.

એક સૂચન કરીને હું નાતાલમાંના કામકાજનો આ ઝટપટ લખી કાઢેલો ટૂંકો હેવાલ પૂરો કરીશ. જે થોડા શાકાહારી સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય એવા, સાધનસંપન્ન માણસો દુનિયાના જુદા જુદા ભાગોની મુસાફરીએ નીકળે, જુદા જુદા દેશોની સાધનસામગ્રીનો કયાસ કાઢે. શાકાહારના દૃષ્ટિબિંદુથી તેમની શકયતાઓનો હેવાલ રજૂ કરે અને જે દેશોને શાકાહારના પ્રચાર માટે તથા આર્થિક દૃષ્ટિએ વસવાટ કરવા માટે તેઓ યોગ્ય સમજે, તેમાં જઈને રહેવા માટે શાકાહારીઓને આમંત્રણ આપે તો શાકાહારના પ્રચારનું ઘણું કાર્ય થઈ શકે. આમ થાય તો ગરીબ શાકાહારીઓ માટે વસવાટ કરવાનાં નવાં દ્વારો ખૂલી શકે અને દુનિયાના જુદા જુદા ભાગોમાં શાકાહારના પ્રચારનાં સાચાં કેન્દ્રો સ્થાપી શકાય.

પરંતુ આ બધું કરવાને માટે શાકાહારવાદ માત્ર એક આરોગ્ય માટેની સવલત બનવાને બદલે ઘર્મ બનવો જોઈએ. એના ધ્યેયને ઘણી વધારે ઊંચી કક્ષાએ મૂકવું જોઈએ.

[ મૂળ અંગ્રેજી]


धि वेजिटेरियन, ૨૧-૧૨-૧૮૯૫