પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
હિંદીઓ અને પરવાના

પછી તે રવિવારની શાળાનો શિક્ષક થવાને પણ લાયક નહીં ગણી શકાય. સહેજે કોઈ એવું માનશે કે એને માટે કુમળી વયનાં બાળકોનું ચારિત્ર્ય ઘડનારા રવિવારની શાળાના શિક્ષક બનવા કરતાં રાત્રે નવ વાગ્યા બાદ બહાર નીકળવાનું ઓછું જોખમકારક છે. સુપરિન્ટેન્ડેન્ટ કહે છે કે એમના પોલીસદળે "કદી આરબ વેપારીઓ અથવા બીજા સન્માનપાત્ર બિનગોરા લોકોને રાતને વખતે કનડગત કરી નથી." શું આ બે છોકરાઓ "બીજા સન્માનપાત્ર બિનગોરા માણસો"ની હરોળમાં મુકાવાને લાયક નથી? હું એમને અરજ ગુજારું છું અને આજીજીપૂર્વક એ વાતનો સારી રીતે વિચાર કરવા કહું છું કે એમણે પોતે આ બે છોકરાઓને ગિરફતાર કર્યા હોત ખરા કે? એમના પોતાના શબ્દોમાં હું કહું છું કે "જો એમનું આખું દળ એમના જ જેટલું વિચારશીલ અને દયાળુ હોત તો કોઈ મુશ્કેલી રહેતે નહીં."

હું માનું છું કે, મારા 'ખુલ્લા પત્ર' વિષે લખતાં આપે એવું કહેવાની કૃપા બતાવી હતી કે સાચી ફરિયાદવાળા દાખલાઓમાં આપ ઝટ સહાનુભૂતિપૂર્વક ધ્યાન આપશો. આપ આ મામલાને સાચી ફરિયાદરૂપે ગણો છો ખરા? જો આપ ગણતા હો તો હું આપની સહાનુભૂતિની માગણી કરું છું જેથી ઉપર દર્શાવ્યા છે એવા દાખલા ફરીથી બનવા ન પામે, જેઓ મારી સલાહની દરકાર રાખે એવા સન્માનપાત્ર હિંદી યુવાનોને તેમના માલિકો પાસેથી પાસ કઢાવી લેવાની સલાહ આપવાનું મને મુશ્કેલ લાગ્યું છે. મેં તેમને રાત્રે ફરવાની છૂટ આપતો મેયરનો પાસ કઢાવવા સલાહ આપી છે. પણ પહેલી અરજીનો જવાબ નકારમાં મળ્યો છે એટલે એને લઈને બીજાઓનો ઉત્સાહ મંદ પડી ગયો છે. જો જાહેર જનતા આવી ધરપકડો બાબતમાં સંમતિ આપે તો પછી મૅજિસ્ટ્રેટનો વિરોધી અભિપ્રાય હોવા છતાં, પોલીસને એવું ફરી ફરીને કરવાને ઉત્તેજન મળવા સંભવ છે. એટલા માટે અખબારો પોતાના વિચારો પ્રગટ કરીને કાં તો દેખીતી રીતે આબરૂદાર હિંદીઓ માટે છૂટછાટ આપતો મેયરનો પાસ કઢાવવાનું સહેલું બનાવે અથવા પોલીસને માટે ફરી ફરીને આવી ધરપકડો કરવાનું લગભગ અશકય બનાવે. કૉર્પોરેશન ઉપર કેસ માંડવાનો પણ એક રસ્તો છે ખરો. પરંતુ તે રસ્તો છેલ્લા ઉપાય તરીકે લેવા જેવો છે.

હુ છું, વગેરે


મો. ક. ગાંધી


[ મૂળ અંગ્રેજી ]


धि नाताल मर्क्युरी, ૬-૩-૧૮૯૬