પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
નાતાલ ઍસેમ્બલીને અરજી

છે) કાઉન્સિલ સમેત ગવર્નરે નક્કી કરેલાં મુંબઈ પ્રાંતમાં આવેલાં મુંબઈ સિવાયનાં બીજાં મ્યુનિસિપલ કૉર્પોરેશનો; ઉપર મુજબ નક્કી કરેલાં લોકલ બોર્ડો, દક્ષિણના સરદારો અથવા ઉપર મુજબ નક્કી થયેલો બીજો મોટા જમીનદારોનો વર્ગ, ઉપર મુજબ નક્કી થયેલા વેપારીઓ, દુકાનદારો વગેરેનાં મંડળો, અને મુંબઈ યુનિવર્સિટીની સેનેટ બહુમતી મતથી આ આઠ સભ્યોની ભલામણ કરે છે કે ચૂંટી કાઢે છે. અથવા જે મંડળો કાયદાથી નહીં સ્થપાયાં હોય તેમની બાબતમાં એવાં મંડળો આગળ આવતાં કામકાજના પ્રશ્નનો વિષે ઠરાવો પસાર કરવા તથા નિર્ણયો કરવા માટેના તેમના નિયમોમાં ઠરાવેલી પદ્ધતિથી ભલામણ કરે છે કે ચૂંટી કાઢે છે.

આ સન્માનનીય ગૃહ જોશે કે દક્ષિણના સરદારોમાં તો પરિષદના સભ્યોની ચૂંટણી માટેના સીધા મતદારો પણ છે.

બીજી કાઉન્સિલો માટેનાં નિયમનો મોટે ભાગે એનાં એ જ છે.

હિંદમાંની વિધાનપરિષદો અને રાજદ્વારી મતાધિકારનું સ્વરૂપ આ પ્રકારનું છે. એટલે આપના અરજદારો માનપૂર્વક એ બતાવવા ઇચ્છે છે કે ફરક સ્વરૂપમાં નથી પણ માત્ર પ્રમાણમાં છે. કારણ એ નથી કે હિંદીઓ પ્રતિનિધિત્વના તત્ત્વને જાણતા નથી કે સમજતા નથી. આ બાબતમાં આપના અરજદારો માટે માનનીય મિ. ગ્લેડસ્ટનના ભાષણમાંથી ફરીથી ઉતારો આપવાનું વધારે ઠીક થઈ પડશે, એમના થોડા વિચારો તો ઉપર ઉતાર્યા પણ છે. એમણે ચૂંટણીના તત્ત્વનું સ્વરૂપ મર્યાદિત રાખવા માટેનાં કારણો નીચે મુજબ સમજાવ્યાં છે:

સમ્રાજ્ઞીની સરકારે એ વાત સમજી લેવી જોઈએ કે સરકારના આ શક્તિશાળી સાધનને (એટલે ચૂંટણીના તત્ત્વને) અમલમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે એવી ખાતરી અપાયા પછી જો અમે આશા રાખીએ છીએ એવું કશું પરિણામ નહીં આવ્યું તો તે બહુ જ ગંભીર નિરાશાની વાત ગણાશે. હું કાંઈ એના પ્રમાણની વાત કરતો નથી, ખાસ કરીને હું એના સ્વરૂપની વાત કરું છું. હિંદ જેવા એશિયાઈ દેશમાં આપણે જે કાંઈ પાર પાડવા માગતા હોઈએ તેનો અમલ કરવામાં મુસીબતો તો રહેવાની જ. કારણ કે એની પાસે એની પ્રાચીન સંસ્કૃતિ છે, એની ભારે વિલક્ષણ સંસ્થાઓ છે, આટલી ભિન્ન ભિન્ન જાતિઓ, આટલા ધર્મો અને વ્યવસાયો છે, જમીનનો આટલો મોટો વિસ્તાર છે, અને જનસંખ્યાનો એટલો મોટો સમૂહ છે જે ચીનને બાદ કરતાં કદાચ કદી પણ એક સરકાર નીચે રહ્યો નહીં હોય. પણ મુસીબત જેટલી મોટી છે તેટલું જ કામ ઉમદા છે, અને એને સફળતાપૂર્વક પાર પાડવા માટે એમાં ભારેમાં ભારે ડહાપણ અને કાળજીની જરૂર રહેશે. આ બધી બાબતો આપણને હિંદના મહાન ભાવિ તરફ આનંદથી મીટ માંડવાને પ્રેરે છે તથા આપણામાં એવી આશા ઊભી કરે છે કે આ વિશાળ અને લગભગ અપરિમિત દેશમાં ચૂંટણીના તત્ત્વને મર્યાદિત માત્રામાં ભલે હોય તો પણ – જો સચ્ચાઈપૂર્વક અમલમાં આણવામાં આવે તો સાચી સફળતા હાંસલ થશે.

હિંદ વિષેની બાબતો ઉપર બોલવાને અધિકારી હોય એવી બધી વ્યક્તિઓ હિંદી વિધાનપરિષદમાં રહેલાં પ્રતિનિધિત્વના તત્ત્વ બાબતમાં એકમત જોવામાં આવે છે.

હિંદ વિષેની બાબતોના જે વિદ્વાનો હયાત છે એમાંના સૌથી વધારે અધિકાર ધરાવતા સર વિલિયમ વિલ્સન હંટર, કહે છે: