પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
ગંગા–ગુર્જર વાર્તા

કિશેાર પોતાના પિતાને ગળે બાઝી પડ્યો, જે વેળાએ તે ડોસાના કાનમાં ચિત્તવેધક શબ્દોનો અવાજ થયો કે, “બાપાજી, વહાલા બાપાજી!” તે વેળાએ તરત મોહનચંદ્રથી જવાબ દેવાયો નહિ, પણ તેણે એકદમ એક ખુશીનો અવાજ કહાડ્યો; ને પોતાના પ્રિય પુત્રને જોઇને આનંદથી ઘેલો થયો.

તેની માંદગીમાં આ આનંદે વધારો કીધો, પણ ઘટાડો થયો નહિ. આ હર્ષથી તેને સનેપાત તરત જ લાગુ પડ્યો. જો કે આસપાસ બેઠેલાઓને તરત તો તેની કશી પણ અસર જણાઇ નહિ.

“બાપાજી! તમને શું થયું છે? તમે ઘણા માંદા થયા છો.” ઘણા ભયથી કિશોરે પૂછ્યું, કેમકે તેને પોતાના પિતાનો ચહેરો તદ્દન બદલાયલો જણાયો.

“ના, ના ! ભાઇ કિશેાર ! મારા લાડકા ! મારા વહાલા દીકરા ! તું મારી તરફની કશી પણ ફિકર કરતો નહિ. હું સહજ માંદો છું, પણ ફિકર કરવા જેવો નથી. પણ હું તને મળીશ એવી આશા રાખી નહોતી. તને જોવાથી મને જે આનંદ થયો છે તે કેમ કહી બતાવું? પણ ખરેખર હવે હું સારી રીતે સુખે મરીશ. મને સઘળું મળી ચૂક્યું.”

“એમ નહિ બોલો, પિતાજી ! બાપાજી, તમે એમ નહિ બોલો. હવે તમારી માંદગી એક ઘડી પણ રહેનારી નથી. હવે તમારી ચિંતા સઘળી દૂર કરો. હું તમારી ખરેખરી સેવા કરવાને વખતે આવ્યો છું. જો તમને કંઈ પણ થયું હોત, તો પ્યારા પિતાજી, હું જીવતે નહિ. તમારી સેવા કરવી મારા નસીબમાં લખેલી છે. હવે આપણે સર્વે સુખી થઈશું.”

“બેશક દીકરા તેમ થશે ! પણ મારો મંદવાડ જોઇ તું ગભરાતો નહિ.” તે વૃદ્ધ માણસે ઘણા નમ્ર અવાજથી જણાવ્યું, “હવે આપણે સુખી થઇશું, પણ મારો મંદવાડ ઘણો કાજગરો છે.”

“પરમેશ્વર આપણ સઘળાનો સહાયક થશે. પિતાજી, જો મારા નસીબમાં સુખ હશે તો તમે પાછા આરેાગ્ય થશો જ; ને હું હવે તમને કદી પણ છોડી જઇશ નહિ. મને મુંબાઇમાં સેક્રેટરિયટમાં ઘણી સારી