પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
ગંગા–ગુર્જર વાર્તા

બૂમ મારી કે “બાપુજી, બાપુજી, જરાક તો બોલો ! તમારી વહાલી દીકરીને જરાક તો બોલાવો ! એ બાપુજી, નહિ બોલવાના ! હાય !” આમ બૂમ મારતી તે બિછાનાને વળગી પડી. સૌએ મળીને તેને દૂર ખસેડી, ગંગાની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહેવા લાગ્યો ને “દાદાજી દાદાજી ક્યાં ગયા ! હૈં બા ! દાદાજી કેમ નથી બોલતા ?” એમ જ્યાં મદને આક્રંદ કીધો કે પછી તે કોઈથી મૂગું રહેવાયું નહિ. શેઠાણીએ ઘર ગજાવી મૂક્યું ! જો કે જીવતાં તો મોહનચંદ્ર પ્રત્યેની તેની વર્તણુક બહુ ધિક્કારવા યોગ્ય હતી, પણ “જીવતે ન જોયા તે મૂવા પઠે રોયા” તેમ મહા ભયાનક શોક કરી મૂક્યો. તેણે માથામાં ધૂળ ઘાલી વાળ તોડી નાખ્યા, અને એક નાદાન માફક ભોંયપર તરફડિયાં મારવા માંડ્યાં ! “હવે રામનાં રાજ ગયાં ને કુશનાં રાજ થયાં” એમ તે વિલાપ કરતી હતી. ઘરમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે આસપાસના પડોસીઓ તથા ન્યાતિલાઓ આવી પહોંચ્યા. ઘરમાં પુષ્કળ સગાં ભરાઇ ગયાં, વેણીલાલ તો ગાંડા માફક “બાપુ, બાપુ” કરીને કોચની આસપાસ ફરતા હતા. કિશેારની અવસ્થા સૌથી માઠી હતી. તેનું હૃદય મુંઝાઈ જતું હતું, તેને પોતાના વસ્ત્રનું પણ ભાન નહોતું.

ન્યાતિલા આવી પહોંચ્યા કે સ્મશાનસ્વારીની ગોઠવણ કરવાને ઉતાવળ કરવામાં આવી. કોચમાં જ મોહનચંદ્રનું મૃત્યુ થયું તેથી કેટલાંક વાતો કરતા હતા. શેઠાણી જો કે રડતાં હતાં, તે પણ છેલ્લી ઘડીએ એકદમ ઉઠીને, લોટ, ગોળ ને ઘીને મેળવીને અંતકાળને લાડવો તૈયાર. કરી લાવ્યાં, ને મોહનચંદ્રના કાન આગળ લઈ જઈને કહ્યું કે “તમે, તમારું શોધી લેજો. આ વરસમાં જે ધર્મદાન થાય તે તમારે અંગે છે.” આમ કહીને ઘીને દીવો કીધો તથા અંતકાળિયા કાળમુખા બ્રાહ્મણને પેલો લાડવો, તેપર એક રૂપિયો મૂકીને આપ્યો.

મોહનચંદ્રને માળપરથી નીચે લઈ ગયા. ત્યાં લઈ જઈને શબને સ્નાન કરાવ્યું, તથા સફેદ પવિત્ર વસ્ત્રો પહેરાવ્યાં, જે જોકે કેટલાક