પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
ગંગા-ગુર્જર વાર્તા

જોતાં જ ગંગાને એકદમ મૂર્છા આવી ગઈ ને તે કમળીની પડોસમાં ધબ દેતી કે પડી, પણ તે પડે છે તેટલામાં જ એક બીજા માણસે આવીને કહ્યું કે, “ગઈ રાત્રિએ મોતીલાલે આત્મહત્યા કીધી છે, ને સવારમાં તેનું શબ કાઢ્યું છે.”

કિશોરલાલ ગમે તેટલો ધીર મનનો હતો. પણ આ બે સમાચાર અકસ્માત બનતાં તેનું મન સ્વાધીન રહ્યું નહિ. એકદમ રડી પડ્યો, ને તેના તેવા આક્રંદથી આસપાસનાં દક્ષિણી ને ગુજરાતી પડોસીઓ આવી પહોંચ્યાં. સઘળાં આ બનાવ જોઈને ઘણાં ગમગીન થયાં, ને, કમળી બહેનની લાયકીનાં વખાણ થવા લાગ્યાં. ગંગા જ્યારે શુદ્ધિપર આવી ત્યારે તેના રડવાનો તો કશો પણ પાર ન રહ્યો, “ઓ બેહેન, અરે મારાપર આટલો બધો કેાપ ? હજી સાસુજીને મુઆને વર્ષ દહાડો તો હમણાં થયો છે, તેટલામાં તમે મને બદનામ કીધી ! હાય ! હાય! હું લોકોને શું મોઢું બતાવીશ ? લોકો મને શું કહેશે ? ન્યાતજાતમાં શું કહેવાશે ! ભાઈજી શું ધારશે ? અરે મેં શું તમને એાછું પાડ્યું કે મને અામ છેહ દીધો ! ! લોકો કહેશે કે મેં કંઈપણ કહ્યું હશે, પણ ઓ બેહેન, તમે આમ મને કાં ટવળાવી વારુ ! ઉઠો, રે જરા તો બોલો ! ગંગા ભાભી કહીને હવે મને કોમળ સ્વરે કોણ બોલાવશે ? મારી દીનમુદ્રા જોઈને હવે મને કોણ પૂછશે કે તમને શું થયું છે? મારી માની જણી બેહેનની કોણ ગરજ સારશે? હાય હાય, હવે હું એકલવાઈ થઈ રહી !” વગેરે વિધ વિધ ભાતે વિલાપ કરીને અશ્રુની નદી વહેતી કીધી. તેનું રડવાનું કેમે કર્યું સમાય નહિ. તે કમળીના ગુણનું રુદનરાગમાં ગાન જ કરવા મંડી પડી. તેની સભ્યતા ને હેત પ્રીતની પ્રશંસા કરતાં તે વધારે વધારે રડવા લાગી. પડોસીએાએ ઘણુંએ સમજાવી; ને એમાં ઈલાજ નથી ઇશ્વર આગળ કોઇનું ચાલતું નથી, મૃત્યુની બૂટી નથી વગેરે ઘણીક રીતે દલીલોથી છાની રહેવા માટે તેને કહેવા છતાં તેનું હૈઠુ સમાયું નહિ, પોતાની વહાલી દીકરી તરફ પણ તેણે કંઈ નજર કીધી નહિ.