પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
બે પત્રો !

તમારી તરફ મોકલું છું તે, તમે કંઈપણ રોષે ન ભરાતાં સ્વીકારશો -એટલા જ માટે કે જેને તમે ભાઇ પ્રમાણે ગણ્યો છે તે તમારો ભાઇ હવે આ દુનિયાનાં દર્શન ઝાઝો કાળ કરવાને રાજી નથી. -

ખરી પ્રીતિ-સ્નેહ એ મનુષ્ય જિંદગીમાં પૂર્ણ વિશ્રાંતિનું કારણ છે, પણ જે મોટા મોટા દુ:ખદાયક પર્વતો આપણા વચ્ચે પડેલા છે, તે ઉલ્લંઘીને આ સુખાનુભવના આનંદભવનમાં જઇ શકિયે એમ બનવું બહુ વિકટ છે. એક વખત એવો હતો કે, હું તમારી સાથે ને તમે મારી સાથે લગ્ન કરવાને આતુર હતાં. હવે તે વાત નહિ બને તેવી હોવાથી આપણ બંનેએ વેગળી મૂકી દીધી છે. પણ જે સુખની મેં આશા રાખી હતી તે નહિ મળે, અને પછી જીવવું ! એ જીવવું કેવું અળખામણું છે, તે અનુભવીથી અજાણ્યું નથી. આપણે જાણીએ છીએ કે, કોઇ ચિરંજીવ નથી, તો પછી મોત જે સઘળી જંજાળમાંથી છૂટકો લાવનાર છે તેની હજુર ઉભા રહેવું, એના જેવું સુખદાયી બીજું શું હશે ?

જ્યારે આપણે અન્યોન્ય દૃષ્ટિએ પડ્યાં ત્યારે એવી શંકા કદી જ ઉત્પન્ન થઇ હશે કે, હવે પછી શોકાગ્નિમાં નિરંતર જળ્યા કરીશું ! પણ જે પરમાત્માએ સદા જ ઉપકારદૃષ્ટિએ સર્વની સામે જોયું છે, તેની એવી જ ઇચ્છા જણાય છે કે, કંઇ પણ કારણ વગર સદા જ ધુંધવાતા લીલા લાકડામાં આપણને નાખી મૂકવાં !! અગરજો, એ આપણને આ દૃષ્ટિથી માલમ નથી પડતું કે કયા કારણ ને ગુન્હામાટે હશે, તથાપિ તે ન્યાયવંત પિતાએ કશું ખોટું કામ તો માથે લીધું જ નહિ હોય. ઘણા બનાવોમાં એવું બને છે કે, પ્રથમ થોડું દુ:ખ થાય છે તે પૂર્વના મોટા દુઃખના નાશ માટે જ છે. આ બધું તુર્તાતુર્ત આપણને જણાતું નથી, પણ એવાં અદૃશ્ય કારણો માનવાને તે કારણ મળે છે ખરું, એ કારણો જોતાં જે જે વિઘ્ન આપણી