પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
વિપત્તિનું સાક્ષાત સ્વરૂપ

રસોડામાં રસોઇ કરવા આવતી, તોપણ તેને મણિ કરવા દેતી નહિ, ને પોતે જ સઘળું કામ ઉઠાવી લેતી હતી.

ગંગા જ્યારે માત્ર પરવારતી ત્યારે પોતાના નાના બગીચામાં તેણે એક નાનું રાજ્ય સ્થાપ્યું હોય તેમ વર્તતી હતી. મણી, રામો ને પોતાની મહેનતથી બગીચો તો એવો સુંદર બનાવ્યો હતો કે, કોઇ પણ દક્ષિણી મિત્ર જોઈને છક થઇ જતો. તેની સુંદર રસિકતા ઉંચા પ્રકારની હતી, તેની ગોઠવણ મોહક હતી, છતાં તેનો ખરચ જાતિશ્રમ શિવાય બીજો કંઇ નહોતો. ઘણા જણ બગીચાની નકલ કરી જતા હતા. કરમાયલા મોગરાના ફૂલની વાત તે હજી વિસરી ગઇ નહોતી અને જ્યારે સાંભરતી ત્યારે સંતાપ કરતી હતી. સાંઝ સહવાર બગીચામાં ફરીને આનંદમાં ખેલતી હતી. સઘળાં આવ્યા પછી વચ્ચેના મંડપમાં બેસતાં ને ત્યાં મણી, જે હારમોનિયમ વગાડતાં શીખી હતી, તે વગાડી સૌનું મનોરંજન કરતી, ને ગંગા કોમળ સ્વરે ગાતી ત્યારે આસપાસના ઝુંપડામાં રહેનારાંઓ બગીચા આગળ આવીને એકચિત્તે સાંભળતાં હતાં. આ બંગલાની આસપાસ સંભાવિત ગૃહસ્થો કરતાં, વધારે આબરુદાર ખેડુતો રહેતા હતા, ને તેઓ પ્રપંચી કાવાદાવાવાળા ગૃહસ્થો કરતાં વધારે નિખાલસ ને પ્રામાણિક હતા. તેમનાં મન ગંગાએ હરી લીધાં હતાં. સઘળાં બપોર બપોરનાં તેના બગીચામાં આવીને પોતાની શેઠાણી તરીકે ગંગાને માન આપતાં. ગંગાપર માત્ર તે એકલાઓનો જ પ્યાર નહોતો, પણ પશુ પક્ષી ને બીજાં જનાવર પણ તેનાં ઔદાર્ય, બુદ્ધિ અને મમતાળુ પ્રેમી સ્વભાવથી વશ થઈ ગયાં હતાં. ગંગા જ્યાં બેસતી તેની આસપાસ ચોમાસામાં મોર ઢેલ ગેલ કરતાં નજરે પડતાં; ને ગાયો, જ્યારે ગંગા ગાતી ત્યારે ચાલી આવીને સ્વસ્થ થઇને ઉભી રહેતી હતી. બીજાં પશુ પક્ષી આસપાસ વિંટળાઇ વળતાં. જ્યારે તે બગીચામાંથી ઉઠીને જતી ત્યારે નિરાશા ભરેલા વદને તે સઘળાં ઉડી જતાં હતાં. ખેડુતોનાં બૈરાં સવાર સાંઝ આવતાં ત્યારે પોતાની આ પૂજ્ય શેઠાણીના