પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ગંગા–ગુર્જર વાર્તા

હમેશાં વધારે હોય છે ને દીકરી તરફ માનું વાહલ પણ વધારે હોય છે. ગમે તેવા અવગુણ માબાપના હોય, તે ભૂલી જવામાં આવે છે; પરંતુ લલિતા શેઠાણી દુનિયાની ઉતાર હતી. તે દીકરી ને વહુ સૌને એકી લાકડીએ હાંકતી હતી. તેનો મૂળનો સ્વભાવ જ બળિયલ હતો. તે કોઇનું સારું તો જોઇ શકતી જ નહિ. મોહનચંદ્રના ઘરમાં ત્રણ વહુ, બે દીકરી તથા ત્રણ દીકરાઓ ને મોહનચંદ્ર એ સૌને સારો બનાવ હતો, પણ એકલાં શેઠાણી જ સૌથી ન્યારા પંથનાં હતાં. ઘણીવાર તો તેમને કોઇ કોઠું જ આપતું નહિ. તેટલું છતાં પણ શેઠાણી મહિનામાં ત્રણ દિવસ રીસાઇને એકાદશી શિવાય બીજા ત્રણ ચાર નકોરડા ખેંચી કાઢતાં હતાં. ત્રણ ચાર વાર જુદે ચૂલે રાંધી જમતાં ને ઘંટી ટંકોરો તો ઘરમાં રોજનો જારી જ હતો.

સારે નસીબે એ શેઠાણી શિવાય ઘરનાં સૌ સભ્ય, ગૃહસ્થ કુટુંબને યોગ્ય હતાં. ત્રણે વહુવારુઓ ભણેલી ગણેલી હતી; પણ મોટી વહુમાં આળસ વિશેષ હતું, નાની વહુ હજી બાળવયમાં હતી, એટલે થોડા દિવસ સાસરે રહેતી હતી. ગંગા અતિ કુલીન માબાપની એકની એક લાડકવાઈ, પણ સર્વ ગુણથી સંપૂર્ણ હતી. તે ઘરસંસાર કેમ ચલાવવો વડીલેાનાં મન કેમ હરણ કરવાં, એ સારી રીતે જાણતી હતી. પોતાના ભણતર ગણતર સાથે તે પોતાના કામમાં સર્વ રીતે કુશળ રહેતી, નવરાં બેસી વાતોના તડાકા મારવા તેને પસંદ નહિ હતા. યુરોપિયન સ્ત્રીના હાથ નીચે કેળવાયેલી છતાં છલકાઈ કે મદનો જરાપણ અંશ હતો નહિ. હમેશાં જ નાનપણથી તે ધીમે સ્વરે બોલતી; વડીલોની મર્યાદા સંપૂર્ણ રાખતી; અવકાશ મળ્યો કે અભ્યાસપર મંડતી; ને નવીન નવીન અંગ્રેજી પુસ્તકો વાંચી કમળા, તુળજા, વેણીગવરી વગેરેને સંભળાવી રંજિત કરતી; તે સાથે તેમને થોડુ થોડું શીખવતી. તે ઘણી સ્વચ્છ રહેતી. ઘરના એક ભાગમાં એનો ખાનગી ઓરડો હતો, ને તેમાં જો કે ભભકાવાળો સામાન થોડો જ હતો, તથાપિ તે