પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ગંગા–ગુર્જર વાર્તા

મારે સાંભળવાં ! એ વહુએ મારું નામ ડૂબાવ્યું. એ ગવંડરની દીકરી છે તો એને ઘેર રહી, મારે ત્યાં નહિ પાલવે. મારા અવતારના થઈ ગયા છે. ન્યાત જાતમાં મારાથી મોં કાઢીને બોલાતું નથી, તે છતાં એ રાંડને એક શબ્દ કહેતો નથી ને મુઓ ગુન્હા ને બુન્હાની વાતો પૂછે છે !!! પૂછને તારી રાંડને, કે આજ બબે મહિના થયા તે બંનેએ મારી સામા સંપ કરીને ઝગરણ શા માટે માંડ્યા છે ? ને આ રાંડને (પોતાની દીકરીને) પણ શીખવીને મારી સામા કીધી છે. હવે તે હું કીયે મોઢે બોલું ? જ્યાં પેટ પાક્યું ત્યાં પાટો ક્યાં બંધાય ? અમે તો મરીએ તોએ ભલાં. આજકાલની રાંડો નહિ ઘટે તેવા શબ્દોથી સામા તડાતડ ઉત્તર આપે છે. હવે મારો તે અવતાર છે? બળ્યા અમારા અવતાર ! રાંડ મઢમ થઈને નીકળી જશે ને મુઆ તું પછી જોયા કરજે ! જજે તેની પાછળ ઝખ મારતો ! હત્ તારું સત્યાનાશ જાય મૂવા નિર્લજ્જ !” આટલું બોલતામાં તો શેઠાણીએ છેડો વાળવા માંડ્યો.

એ સઘળું એક નવું તૂત જ ઉભું કીધું હતું. ગંગાએ તો સાસરાના ઘરમાં પગ મૂક્યો, તે દહાડાથી ઊંચે કે નીચે સ્વરે એક શબ્દ પણ મોં બહાર કાઢ્યો નથી, તો પછી લડવાની તો વાત જ શી ? પણ આમ ઉશ્કેરીને પોતાની વહુ સાથે દીકરાને લડાવવા, એક સાસુ જેટલા પ્રપંચ ને ઢોંગ કરે તેટલા ઢોંગ લલિતા શેઠાણીએ કરી ઘર ગજાવી મૂક્યું.

કમળા જાગી ઉઠી. તુળજા, વેણીગવરી ને છોકરાં પણ જાગી ઉઠ્યા. મોહનચંદ્ર પડશાળમાં દાતણ કરતા હતા તે ચમકી ઉઠ્યા; ને જ્યાં શેઠાણીએ ઢોંગ મચાવ્યો હતો ત્યાં ઘરના ચાકર નકરો સાથે સૌ દોડી આવ્યાં. ગંગા પણ દોડી આવી. સૌને એમ લાગ્યું કે, કમળા બહેનને કાંઈ થઈ આવ્યું હશે. પણ ઓરડામાં પેસતાં જ કમળાને કોચપર તંદુરસ્ત હાલતમાં બેઠેલી જોઈ કે, આ શું છે, તે કોઈને પૂછવાનું કારણ રહ્યું નહિ, સૌ સમજી ગયાં કે, શેઠાણીએ કંઈ નવો ઢોંગ કીધો