પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
ઉમરાવજાદાની દીકરી

છે. ગંગા સૌથી વધારે ગભરાઈ. તે કંઈ પોતાથી ગુન્હો થયો છે તેથી નહિ, તેનાથી કંઈ અણઘટતું થયું છે તેથી નહિ, કંઇ ભૂલ કે અવિવેક માટે નહિ, પણ પોતાનો પ્રિયતમ હજુ હમણાં આવ્યા છે, રાતનો ઉજાગરો થયો છે, તેમાં પ્રારંભમાં જ આ ગડમથલ ચાલી, તેથી રખેને પ્રિય પતિને તેને માટે, તેની વર્તણુક કે મર્યાદા માટે શંકા આવે; રખેને તે એમ ધારે કે, તેનાં માતપિતાની મારાથી કંઈ અવગણના થઈ છે - તેથી તે ગભરાઈ.

મોહનચંદ્ર ઘણા ગુસ્સામાં દોડી આવ્યા. તેમનો મિજાજ રાતનો જ ગયો હતો, તેમાં સવારના પહોરમાં આ નવો મામલો જોઈને તે ઘણા ખીજવાઈ ગયા.

“વળી શી મોકાણ મંડાઈ છે કે સવારમાં આ રડારોળ કરી મૂકી છે;” ઘણા ખીજવાટ સાથે તેઓ બેાલ્યા. “સવાર, સાંઝ, વખત કવખત આ ઘરમાં તકરાર ને લડાઈ ! ઓ પરેસાન ! તારું મોઢું બાળ, કે સૌને સુખ થાય. હજી તો હમણાં હું ઉઠ્યો છું, તેટલામાં આ તારા દાદાના નામની પોક મૂકતાં તને શરમ નથી લાગતી ? જરા મોઢું ઢાંક, ને શરમા ! રોજ રોજ સંતાપવું હોય તો તારું કાળું કર, કે સૌને નિરાંત થાય.” આ બધા શબ્દો મોહનચંદ્ર એટલા તો ગુસ્સામાં ઝડપથી કહ્યા કે સૌ સાથે શેઠાણી પણ ક્ષણભર સડક જ થઈ ગયાં. પણ તે કાંઈ એમ ગાંજ્યાં જાય તેવાં નહોતાં. ભલા ધનેત્તરને પૂરાં પડે તો પછી એમના શા ભાર !

“આ બધા દુશ્મનો સાથે તમે પણ મારો જીવ લેવાને તૈયાર થયા છો કે ?” તેમણે દાંત કચકચાવીને કહ્યું. “શું હવે મારું કોઈ નથી જ કે ? ગઈ રાતના જ તમે તાનમાં આવ્યા છો અને આ બધી કર્કશાઓને છકાવી દીધી છે, પણ એમ નહિ ચાલે, નહિ ચાલે. હું તમારું કે તમારાં વહુ દીકરાનું નહિ સાંભળું.”

“ચુપ કમજાત ! અભાગણી !” એકદમ તેને બોલતી અટકાવીને