પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ : ગ્રા મો ન્ન તિ
 


ગામડાંમાં પથરાઈ છે. એ બધાં ય ગામડાંનાં ગામઠાણ ભેગાં કરીએ તો ૧૨૦૦૦ વીઘાં જેટલો વિસ્તાર થાય. આનો અર્થ એટલો જ કે ઓગણીસ લાખ ગામડિયાઓ માત્ર ૧૨૦૦૦ વીઘાંમાં પુરાયલા છે. આમ આપણી ગ્રામજનતાનાં રહેઠાણ એટલાં સાંકડાં છે કે એક વીધામાં ૧૫૮ જેટલાં માણસો ભચડાઈ રહ્યાં છે !

આની સામે આપણે વડોદરા શહેરનો જ વિચાર કરીએ. વડોદરા શહેરની વસતી એક લાખ દશહજાર માણસની, અને તેનું ગામઠાણ દસ હજાર વીઘાંનું ! વડોદરા શહેરની એક વીઘા જેટલી જમીનમાં માત્ર અગિયાર માણસ જ વસે છે, જ્યારે ગામડામાં એક વીઘે ૧૫૮ માણસોનો વસવાટ !

ગામડાંની ભયંકર સંકડાશનો ખ્યાલ હવે આપણને આવી શકશે. કોણ કહેશે કે ગામડાંમાં બહુ મોકળાશ છે ? રાજ્ય બહારનાં ગામડાંની સ્થિતિ વડોદરાનાં ગામડાં કરતાં વધારે સારી નથી જ. એટલે હિંદભરનાં ગામડાંની સંકડાશનો ખ્યાલ આપણને તરત આવી શકશે. સીમનું નજીકપણું ગામડાંની ભયંકર સંકડાશને સહજ હળવી બનાવે છે એ ખરું. પરંતુ તેથી તેની ભયંકરતા સમૂળ જતી રહેતી નથી. ગામડાંમાં ઘણી ઘીચ વસતી કહેવાય. તેનું પરિણામ ગંદકી, ધૂળ, અવ્યવસ્થિત મકાનરચના અને ઢંગધડા વગરના રસ્તાઓમાં જ આવે !

સંકડાશ

આમ સંકડાશ એ પ્રથમ મુશ્કેલી આરોગ્યરક્ષણના કાર્યક્રમમાં વિચારવાની રહી. સંકડાશને લઈને મકાનો અનારોગ્ય બંધાય. વસતીના પ્રમાણમાં અમુક ખુલ્લાશ હોવી જ જોઈએ – મકાનમાં તેમ જ મકાન બહાર, હવાની અવરજવર માટે મકાનોમાં બારીબારણાંની કે જાળીઓની પણ સગવડ જોઇએ. શુદ્ધ હવા એ આરોગ્યરક્ષણનો આત્મા છે.