પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૨૧
આરોગ્યરક્ષણ અને જીવજંતુ
રોગ ન થાય એવી
સાવચેતી

સ્વચ્છતા એ આરોગ્યરક્ષણનો મૂળભૂત પાયો છે. એ આપણી ઉન્નતિનું આવશ્યક ચિહ્ન પણ છે. ગ્રામજનતાની વ્યક્તિથી માંડી એ સ્વચ્છતા આખા ગામ ઉપર પથરાવી જોઈએ. સ્વચ્છતામાંથી આપણે આપોઆ૫ નિરોગી રહેવાના માર્ગે ચઢી શકીએ છીએ. રોગ મટાડવાના ઇલાજ તો કરવા જ જોઈએ. પરંતુ વધારે સારો માર્ગ તો એ જ કે રોગ થાય જ નહિ એવી સાવચેતીભરી સ્થિતિ ઊભી કરવી. ઘણાં દર્દ મટી શકે એવાં હોય છે, અને ઘણાં દર્દ તો થવાં જ ન જોઈએ. થવાં ન જોઈએ એવાં દર્દો આપણા ગ્રામજીવનને નિર્જીવ બનાવતાં હોય તો એમાં આપણો જ દોષ ગણાય.

સાવચેતીનું માપ

ગ્રામજીવનની સ્વચ્છતાનું માપ આપણે સમજી લઈએ. સ્વચ્છતાને ધૂળ ન ગમે; સ્વચ્છતામાં દુર્વાસને સ્થાન ન હોય; સ્વચ્છતાને જીવજંતુનો ઉપદ્રવ ન ખપે. ધૂળ અને દુર્વાસ ઉપરાંત આપણાં ગામડાંમાં જંતુઓનો કેટલો ઉપદ્રવ હોય છે એ આપણે સહુ જાણીએ છીએ. શિયાળામાં મચ્છર, ઉનાળામાં માખી અને ચોમાસામાં મચ્છરમાખી ઉપરાંત અનેકાનેક જંતુઓની પરંપરા ! આ ગામડાનો નિત્ય અનુભવ, સ્વચ્છતામાં આવાં જીવજંતુની શક્યતા હોઈ શકે જ નહિ.