પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્યરક્ષણ અને જીવજંતુ : ૧૮૫
 


માખી અને મચ્છર

આપણી સુઘડતાને માખી ન ગમે એટલો જ વાંધો હોત તો આપણે ગ્રામજીવનમાં માખીઓને ચલાવી લેત. પરંતુ આપણી આંખને ન ગમતી ઘણી વસ્તુઓ ખરેખર આપણા આરોગ્યને હાનિકારક હોય છે. માખી આપણી આંખને નથી ગમતી એટલું જ નહિ. એ જંતુની ઉત્પત્તિ ગંદકીમાં હોય છે, અને એ જ્યાં બેસે છે ત્યાં ટાઈફૉડ-વિષમજ્વર, કૉલેરા અને આંતરડાના અનેક રોગને ઉપજાવતાં જંતુઓની સ્થાપના કરે છે. મચ્છર અને મેલેરિયાને ગાઢ સંબંધ સિદ્ધ થઈ ચૂક્યો છે અને હવે તો ગામડાં પણ એટલું જાણતાં થયાં છે કે મચ્છરને લીધે જ મેલેરિયા-ટાઢીઓ તાવ આખા હિંદભરમાં ફેલાય છે–પછી ભલે એ વાતને ખરી ન માનતાં તેઓ તેને હસી કાઢે. ગ્રામજનતાનો–ખેડૂતોનો મેલેરિયા તો કટ્ટો દુશ્મન છે. રોગથી બચવું હોય, રોગ સામે સાવચેતી રાખવી હોય, રોગની શક્યતા જ નિમ્ન કરવી હોય તો માખી અને મચ્છર જેવા રોગવાહકોની ઉત્પત્તિ જ ન થવા દેવી.

ગ્રામજનતાને માખી તથા મચ્છરનો રોગ કે તાવના ઉપદ્રવ સાથેનો સંબંધ પૂરો સમજાતો નથી. પરંતુ એ તો શાસ્ત્રીય રીતે સાબિત થઈ ચૂક્યું છે. માખી તથા મચ્છર અનેક ન થવા પાત્ર રોગનો ફેલાવો કરનાર ખેપિયા છે. ગંદી કહોડ, ઉકરડા, અજીઠવાડ તથા કહોવાણ એ માખીઓની ઉત્પત્તિ તથા વૃદ્ધિનાં પોષક છે. પાણીની નીક, ખાબોચિયાં, ખાડા, બંધિયાર પાણી, કાદવ કીચડ એ સર્વ મચ્છરનાં પોષક સ્થાન છે. એ માખી તથા મચ્છરનાં ઉત્પત્તિ સ્થાન ઉપર આપણે નજર રાખીએ તો ઘણા ઘણા રોગમાંથી આપણે બચી શકીએ.

ગ્રામજીવનની ઉન્નતિની ખરી કસોટી કાઢવી હોય તો એક સ્પષ્ટ