પૃષ્ઠ:Gramonnati.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨ : ગ્રા મો ન્ન તિ
 


અને બંગલામાં ભરાઈ રહેતા વૈદકમાં અને મોંઘા કન્ટ્રાક્ટરોની કાવાદાવાભરી સૃષ્ટિ જગાડતા સ્થાપત્યમાં જ એ યુવકો ગરકી જાય છે. એમની આવડતનો ઉપયોગ ગ્રામજનતાની દૃષ્ટિએ કશો જ થયો નથી એમ કહીએ તો સત્યથી આપણે દૂર નથી જતા.

અંગ્રેજી રાજ્યનો સ્વીકાર અમુક અંશે અંગ્રેજી ભણતર માગી જ લે છે. અને પશ્ચિમની આશ્ચર્યજનક પ્રગતિ અંગ્રેજી ભાષા દ્વારા બહુ સારી રીતે પ્રત્યક્ષ થાય છે. પરંતુ આખા હિંદને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવું અશક્ય છે એટલું જ નહિ પણ બિનજરૂરી અને પ્રજાવિકાસનું રોધક છે. હિંદની પ્રાંતિક ભાષાઓ સમર્થ અને સમૃદ્ધ બનતી જાય છે. પશ્ચિમની પ્રગતિનો ધબકાર ઝીલવાનું બળ તેમનામાં આવ્યું છે, અને રાજકીય–રાષ્ટ્રિય જાગૃતિ અંગ્રેજી ભાષા અને સંસ્કારનો આશ્રય લેતી હોવા છતાં તેનું હિંદમાં અવતરતું સત્ત્વ તેને એ ભાષા અને સંસ્કારનું વિરોધી બનાવે છે. હિંદી ધીમે ધીમે રાષ્ટ્રભાષાનું સ્થાન લે છે.

અજ્ઞાન–અભણપણું

અંગ્રેજી રાજ્યની એક મહાન નિષ્ફળતા હિંદવાસીઓના ભયંકર અજ્ઞાનથી સાબિત થઈ ચૂકી છે. પશ્ચિમમાં અભણ કોઈ નહિ. હિંદની પાંતરીસ કરોડની વસતિમાંથી એકત્રીસ કરોડ અભણ હોય. એટલે પુનર્ઘટના થાય પણ શી રીતે ? અંગ્રેજી અસરવાળી કેળવણી નિષ્ફળ નીવડી અને મોટા ભાગને તે સુલભ બની પણ નહિ. જૂની ઢબના કેળવણી કે સંસ્કારમાર્ગો અદૃશ્ય થયા, અને ધર્મને નામે પણ જે આશ્વાસન પ્રજાને મળતું હતું તે અદૃશ્ય થયું. ગ્રામજીવન ઘોર તિમિરાવસ્થા અનુભવી રહ્યું. આર્થિક અશક્તિ અને સંસ્કારરહિત માનસસંકોચે ગ્રામજીવનને છિન્નભિન્ન, અશક્ત, જડ, નિરાશામય, અને ચૈતન્ય રહિત બનાવી દીધું. શ્રીમંત સયાજીરાવના ફરજીયાત કેળવણીના