પૃષ્ઠ:Gramonnati.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪ : ગ્રા મો ન્ન તિ
 


ઉત્પાદક કાર્ય સાથે સંકળાયેલી હોવી જોઈએ. આ સિદ્ધાંતો જો વર્ધાયોજનામાં રહેલા હોય તો એ વધાવી લેવા સરખા છે. અલબત્ત, પ્રસંગાનુસાર એમાં ફેરફાર થઈ શકે એમ છે. છતાં એટલું તો ચોક્કસ કે ગ્રામજનતાને કેળવણી આપવી હોય તો આ માર્ગે આપી શકાય.

કેળવણીની અસર

કેળવણી વગર જ્ઞાન નથી; જ્ઞાન વગર પ્રકાશ નથી; પ્રકાશ વગર જીવન નથી; જીવન વગર શક્તિ, ઉત્સાહ, સાહસ, ધૈર્ય, નીતિ એ કશું ન આવી શકે. એ ન આવે ત્યાં સુધી ગ્રામજીવનની જાગૃતિ પણ ન થાય, અને ગ્રામજનતા જાગ્રત નહિ થાય તો આખું હિંદ સુષુપ્ત, નિર્ધન અને પરાધીન જ રહેશે. કેળવણી લેઈ સ્વાવલંબી અને સાહસિક બનેલી ત્રીસ એકત્રીસ કરોડ જેટલી ગ્રામજનતા સુતેલી ઊભી થાય અને ઊભી થઈ ચાલવા માંડે તો એની પ્રગતિને કોણ રોંધી શકે ? અને એ મહા પ્રગતિમાં જગતને ફેરવી નાખવાનું કેટકેટલું બળ ઉભરાતું હશે ? ગ્રામજનતાને કેળવણી આપનાર જગતની પ્રગતિને વેગ આપવાનું મહા કાર્ય કરે છે.

કેળવણીનો આદર્શ

કેળવણીમાં સામાન્ય જ્ઞાન જોઈએ. કેળવણી ગ્રામથી વિમુખ રાખે એવી હોવી ન જોઈએ. ભણીને શહેરની ચમક અને સરળતા તરફ આકર્ષણ રહ્યા જ કરે તો એ કેળવણી ગ્રામજનતાને જરૂરી નથી. કેળવણી પરાવલંબી બનાવે એવી હોવી ન જોઇએ. ભણીને શું ખાવું, ક્યાંથી ખાવું એ પ્રશ્ન ઊભો થાય તો તે ખરી કેળવણી કહેવાય નહિ. ખેતી, ગૃહઉદ્યોગ અને કારીગરી સાથે એ કેળવણી સંકળાયેલી જ હોવી જોઇએ. અંગમહેનતમાં કાયરતા શરમ ઊભી કરે એ કેળવણી તો ગ્રામ અને શહેર એ બંને વિભાગમાંથી દૂર થવી જોઈએ. માનસિક સ્વચ્છતા અને લાગણીઓની વિશુદ્ધિ તરફ વાળે એવી એ કેળવણી હોવી જોઈએ. સાથે સાથે એ કેળવણી ગ્રામજનતામાં સ્વમાન અને સ્વભાન પ્રેરે એવી હોવી જોઈએ.