પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪ : ગ્રા મો ન્ન તિ
 


તત્પર, લુચ્ચાઈભર્યો અને દગોફટકા કરનાર નીવડે છે. બહાદુરીને એ અવગુણો ન ખપે. અને આપણે તો આપણી ગ્રામજનતાને પણ બહાદુર જોવી છે. કસરત બહાદુરી આપી શકશે.

વ્યાયામ અને
આનંદ

કસરતથી જીવનમાં આનંદ ઉભરાતો હોય, કસરતથી જીવન સ્ફૂર્તિમય બનતું હોય તો ખરેખર એ આનંદ અને એ સ્ફૂર્તિ આપણી નિરાશ, નિસ્તેજ, નિર્જીવ બની ગએલી ગ્રામજનતાને પહોંચાડવાના માર્ગ પહેલી જ તકે લેવા જોઇએ. શહેરવાસીઓ આનંદ ઉત્સવ કરે, નગરવાસીઓ રમતગમત નૃત્ય વાદ્ય ગીતદ્વારા અગર ડ્રીલ પેરેડ કરીને સ્ફૂર્તિ વ્યક્ત કરે ! ગ્રામજનતા પણ શા માટે એ પ્રયોગ કરી આનંદ અને સ્ફૂર્તિ ન મેળવે ? ગ્રામજનતાની કસરત એટલે એકત્રીસ કરોડ માનવીઓની કસરત, ગ્રામજનતાની સ્ફૂર્તિ એટલે એકત્રીસ કરોડ માનવ ભાઈબહેનોની સ્ફૂર્તિ, ગ્રામજનતાનો આનંદ એટલે માનવજાતને હર્ષફુવારો. એ સ્ફૂર્તિ એટલે આખી દુનિયાને વેગ આપી વાળે એવી વીજળી. એ હર્ષ એટલે આખા જગતને હસતું બનાવતો પ્રવાહ.

એક કલ્પના

અને એક ક્ષણ માટે આપણે કલ્પી લઈએ કે એકત્રીસ કરોડ માનવીઓ એકસરખાં ટટાર ઉભાં છે, એક સરખાં ડગ ભરે છે, એક જ માર્ગે આગળ ધપે છે, એક જ લક્ષ્ય તરફ દૃષ્ટિ રાખે છે, એક જ કુચગીત ગાય છે, અને એક જ ઝંડો ફરકાવે છે ! કલ્પના પણ આપણા મનને મુગ્ધ કરે એવી છે. એ સત્ય બને તો ? તો શું શું ન થઈ શકે ? એકત્રીસ કરોડ માનવીઓને આગળ વધતાં કોણ રોકી શકે એમ છે ? પછી ભલે ને એ સંખ્યા નિઃશસ્ત્ર હોય !