પૃષ્ઠ:Gramonnati.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨ : ગ્રા મો ન્ન તિ
 


માર્ગ પ્રમાણિકપણે લેનાર સરકારી નોકર લોકપ્રીય બની લોકો પાસેથી ઘણું ઘણું પ્રગતિકાર્ય કરાવી શકે એમ છે. લોકો સાથે હળવા-મળવામાં નિર્બળતા ગણનાર જાતે જ નિર્બળ છે. તુમાખી, ઘમંડ, કડવી વાણી, સખ્ત થવાની અને સખ્ત દેખાવાની ઈંતેજારી તથા સત્તાનો પરચો દેખાડવાનો મોહ એ જે બાહોશ, કાબેલ અને દાબ પાડનાર અમલદારનાં લક્ષણ ગણાતાં હોય તો સરકારે અને સરકારના અમલદારોએ ગ્રામોન્નતિનું કાર્ય સરકારી નોકરીદ્વારા પાર પાડવાની આશા મૂકી દેવી, ધમકાવીને, દબાવીને, થથરાવીને કામ લેવામાં કાબેલિયત અને બાહોશી માનનાર નોકરશાહીનું કાર્ય ધૂળ ઉપર લીપણું સરખું મિથ્યા છે. અમુક અંશે નોકરશાહીની જરૂર તો રહેવાની જ છે એટલે એ પણ કાર્યસાધક માર્ગે જઈ શકે એમ છે.

શાહુકાર

શાહુકારો પોતાના ધનની સાચવણી અને વૃદ્ધિ સાથે પોતાના દેણદારોની જોડે સચ્ચાઈભર્યું વર્તન રાખે, વ્યાજના ભારણમાં તેમને દાટી ન દે, અને તેમની આર્થિક સ્થિતિ સુધરતી જાય એવા જાતે જ પ્રયાસો કરે તો શાહુકાર વર્ગ ગ્રામોન્નતિમાં સારો ભાગ ભજવી શકે. શાહુકારનું ધન એ હવાડાનું પાણી છે. એ હવાડો ગ્રામજનતાના કૂવામાંથી જ ભરી શકાય. એ કૂવો ખાલી કરી નાખનાર શાહુકાર પોતાના જ પગ ઉપર કુહાડી મારે છે.

જમીનદાર

મોટી ખેતીવાળા જમીનદારનો એક વર્ગ ઊભો થતો જાય છે, અને જૂની ઢબના જાગીરદાર, ઈનામદાર અને વતનદારની માફક ગ્રામજીવનમાં તે ભારણરૂપ બનતો જાય છે. નિરુપયોગી અને ભારણ બનતી સંસ્થાઓ અને વ્યક્તિઓને કુદરતનાં જ બળ લુપ્ત કરી નાખે છે. કુદરતનાં કઠોર બળથી ઉગરવું હોય તો ગ્રામજીવનમાં આગેવાન તરીકે