પૃષ્ઠ:Gramonnati.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧ : ગ્રા મો ન્ન તિ
 


આ જમીનદારોએ સારો ફાળો આપવો પડશે. ખેતીમાં પ્રયોગો, નફામાં પ્રત્યક્ષ કામ કરનાર ખેડૂતોને ભાગ આપવાની સાચી વૃત્તિ, સહકાર્યની યોજના, અને ખેડૂતોનાં સુખદુઃખને પોતાનાં કરી લેવાની આવડત : એ તરફ જમીનદારો નહિ વળે તો કીસાનપ્રવૃત્તિ તથા ગણોતિયાઓની ચળવળ જેવા સામાજિક અને આર્થિક અસંતોષના ધરતીકંપ ગ્રામજીવનને હલાવી નાખશે એટલું જ નહિ પણ ઉથલાવી નાખશે. જમીન, જમીનદારી, શાહુકારી, અમલદારી અને રાજસત્તા એ સર્વ આ ભયાનક ધરતીકંપનો ભોગ થઈ પડે તે પહેલાં ભૂખી ગ્રામજનતાને પોષણ આપવાનું, વસ્ત્રહીન ગ્રામ જનતાને ઢાંકણ આપવાનું, અને ઉપર આકાશ અને નીચે ધરતીની નિરાધારતા અથવા બેજવાબદાર બેલગામ બની ગએલું ઝનુન અનુભવતી ગ્રામજનતાને રહેવા માટે ઘર, જીવવા માટે રોટલો, પહેરવા માટે વસ્ત્ર અને માનવતા સચવાય એ માટે આશાભર્યો ઉત્સાહ આપવાનું કાર્ય સહુએ કરવાનું છે.

ગ્રામજીવનના
આત્માની સંભાળ

અમલદાર, શાહુકાર, જમીનદાર અને ગ્રામસેવક સહુએ ગ્રામ-જનતાને ગળે બંધાયલા દેવાનો વાગતા ઘંટ સાંભળવા જેવા છે :--

સને ૧૯૧૧માં મેક્લેગન સમિતિમાં બ્રિટિશ હિંદના ગ્રામવિભાગનું દેવું ૩ અબજ = ૩૦૦ કરોડ જેટલું હતું એવો હિસાબ કાઢ્યો હતો.

ચૌદ વર્ષ પછી સને ૧૯૨૪માં ડાર્લીંગે અંદાજ કાઢ્યો તો એ દેવું વધીને ૬ અબજ = ૬૦૦ કરોડ જેટલું થયેલું જણાયું.

પછી બેન્કીંગ તપાસસમિતિ મળી. તેણે ૯ અબજ = ૯૦૦ કરોડ જેટલો ગ્રામદેવાનો અંદાજ કાઢ્યો.